સૂરત – પૃથ્વીના તાપમાનમાં સતત થઈ રહેલા વધારા એટલે કે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી બધા દેશો પરેશાન છે ત્યારે ગુજરાતના સૂરત જિલ્લાએ આ સમસ્યાનો સામનો કરવા માટે સૌર ઊર્જાને અપનાવી છે.
તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પ્રાઈમરી હેલ્થ સેન્ટર્સ – PHC) સોલર પાવરથી સંચાલિત છે અને આ સિદ્ધિ હાંસલ કરનાર સૂરત જિલ્લો દેશનો પહેલો બન્યો છે.
જિલ્લામાં કુલ 52 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે અને હવે એ તમામ સૌર ઊર્જાથી ચાલે છે. આ પહેલને કારણે વીજળીનું બિલ 40 ટકા જેટલું ઘટી ગયું છે એટલું જ નહીં, પણ ગ્લોબલ વોર્મિંગ સામેની લડતમાં સૂરત જિલ્લાએ મોટું, મહત્વનું યોગદાન આપ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારી કે. રાજેશના જણાવ્યા મુજબ, સૂરત જિલ્લામાં 572 ગ્રામ પંચાયતો છે. એમાંની 150 ગ્રામ પંચાયતો સૌર ઊર્જાથી સંચાલિત છે. ટૂંક સમયમાં જ બાકીની 422 પંચાયતોને પણ સૌર ઊર્જાથી સંચાલિત કરી દેવામાં આવશે. ગ્રામ પંચાયતોને સોલર પાવર્ડ બનાવવા માટે થતા કુલ ખર્ચનો 25 ટકા હિસ્સો જિલ્લા પંચાયત ભોગવે છે.