કોઇપણ બોર્ડ હોય, ધો.1થી 8માં ગુજરાતી શીખવવી ફરજિયાતઃ શિક્ષણપ્રધાને બિલ રજૂ કર્યું

ગાંધીનગર– આજ બનેલી એક મહત્ત્વપૂર્ણ ગતિવિધિમાં ગુજરાતી ભાષાને ફરજિયાત બનાવતું વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમાં આવેલી કોઇપણ બોર્ડની શાળામાં ધોરણ 1થી 8 સુધીમાં ગુજરાતી શીખવવી ફરજિયાત કરવામાં આવ્યું છે. આ વિધેયક ગુજરાત વિધાનસભા નિયમોના નિયમ-૪૪ હેઠળ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે.આ નિર્ણયનો પ્રારંભમાં ૫હેલાં અને બીજા ધો૨ણમાં ત્યા૨બાદ ક્રમશઃ આગલા ધો૨ણ માટે અમલ કરાશે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતુ કે, આગામી શૈક્ષણિક સત્ર એટલે કે, જૂન-૨૦૧૮થી શરૂ થના૨ શૈક્ષણિક સત્રમાં અને જે કિસ્સામાં શૈક્ષણિક સત્ર વહેલું શરૂ થતું હશે તેવી શાળાઓમાં બીજા સત્રથી ગુજરાતી ફ૨જિયાત વિષય તરીકે ભણાવવામાં આવશે.

ગુજરાતી ભાષા સંદર્ભે વારંવાર રજૂ થયેલી ચિંતાઓ અને વિદ્યાર્થીઓમાં ગુજરાતી ભાષામાં નબળાં પરિણામોને લઇને સરકારમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી કે ગુજરાતી ભાષાના સંરક્ષણ-સંવર્ધન માટે સરકાર ગંભીરતાથી વિચારે અને પગલાં લે. ત્યારે આજે રજૂ થયેલું વિધેયક આગામી સમયમાં ઘણું ઉપયોગી બનશે. આ સમાચાર બહાર આવતાં ગુજરાતી શિક્ષકોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ તથા સીબીએસઇ સહિતના અનેક બોર્ડના અભ્યાસક્રમો ચાલે છે. જેમાં ભણતાં ગુજરાતી વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષા સુદ્રઢ બનાવી શકે તેવા હેતુથી આ બિલ મૂકવામાં આવ્યું છે. ધોરણ 1 અને 2માં ગુજરાતીનું શિક્ષણ પરિચયાત્મક ધોરણે આપવામાં આવશે.

ગુજરાતી ભાષા જે રાજ્યના સર્જનમાં કારણભૂત બની હતી તેના માટે ફરી એકવાર શાસકીય નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે જૂન 2018થી જ અમલી ધોરણ 1થી 8માં ગુજરાતી શીખવવી ફરજિયાત બનાવવા ઇચ્છતી સરકારે તે પ્રમાણે શિક્ષકોની ભરતીની મંજૂરીની અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી છે.