ગુજરાત દિવસે ને દિવસે નશીલા પદાર્થોનું હબ બનતું જાય છે. અવાર-નવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે. ત્યારે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી જીજ્ઞેશ પંડ્યા નામના વ્યક્તિના ઘરમાં એસઓજીની ટીમે દરોડા પાડી 256.860 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. જેની અંદાજિત કિંમત 25 લાખથી વધુ આંકવામાં આવી છે. આ રેડ દરમિયાન 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જૈન દેરાસરની નજીક આવેલી એલીફંટા સોસાયટીના 14 માળે એસઓજીની ટીમે મંગળવરે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સોસાયટીના રહીશ જીજ્ઞેશ પંડ્યા નામના વ્યક્તિના ઘરમાંથી 256.860 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું. એસઓજીની ટીમે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી 5 લોકોની ધરપકડ કરી છે. આ ડ્રગ્સની અંદાજે બજાર કિંમત 25થી વધુ હોવાનું અનુમાન છે. આ ડ્રગ્સના કેસમાં 7 લોકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે ત્રણ દિવસ પહેલાં જ સુરત ક્રાઈમ બ્રાન્ચે શહેરના બે છેવાડાના વિસ્તાર હજીરા સાયણ રોડ અને ક્પલેથા ચેક પોસ્ટ પાસેથી દોઢ કિલોથી વધુ એમ.ડી.ડ્રગ્સ સાથે પાંચ યુવાનોને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.1.53 કરોડનું એમ.ડી.ડ્રગ્સ, કાર, બાઈક, પાંચ મોબાઈલ ફોન, રોકડ મળી કુલ રૂ.1.57 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે પૈકી બાઈક ઉપર આવતા કોસંબાના બે યુવાનો પોલીસને જોઈ ડ્રગ્સનો જથ્થો અને બાઈક મૂકી શેરડીના ખેતરોમાં ભાગી જતા ક્રાઈમ બ્રાન્ચે છ કલાક કોમ્બીંગ કરી ઝડપી લીધા હતા. જયારે વેડરોડનો યુવાન મુંબઈથી ડ્રગ્સ લઈ કારમાં મિત્રો સાથે સુરત આવતો હતો ત્યારે ઝડપાઈ ગયો હતો.
ગુજરાતમાં પાછલા પાંચ વર્ષમાં ગુજરાતમાં 93691 કિલો ડ્રગ્સ, 2229 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 73163 ડ્રગ્સ પીલ્સ-ઇન્જેક્શન પકડાયા છે. ગુજરાતમાં પોલીસ, એનસીબી, ડીઆરઆઈ સહિત અન્ય કેન્દ્રીય સંસ્થાઓ સરહદી સીમા ઉપરાંત દરિયામાં રાઉન્ડ-ધ-કલોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહિત લેટેસ્ટ ટૅક્નોલૉજીથી દેખરેખ રાખી રહી છે તેમ છતાં ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે. હવે આટલી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાતું હોય તો પાછલા બારણે ડ્રગ્સનો કાળો કારોબાર કેટલો મોટો હશે, જે ચિંતાનો વિષય છે. આજે ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વાર જ નહીં, પણ એપી સેન્ટર બન્યું છે જે પોલીસ માટે પણ પકડારરૂપ છે.