સુરત-બારડોલી હાઇવે પર ગોઝારા અકસ્માતમાં છનાં મોત

સુરતઃ બારડોલીના હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત થયો છે. બારડોલીના બમરોલી નજીક કાર અને ડમ્પર વચ્ચે થયેલા ગોઝારા અકસ્માતમાં છ લોકોનાં મોત થયાં છે. કારમાં બેઠેલા છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. આ ગોઝારા અકસ્માતની જાણ થતાં બારડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો. પોલીસે નેશનલ હાઇવે પર ટ્રાફિકને રાબેતા મુજબનો કર્યો હતો.

વડોદરા રેલવેના પોલીસ જવાન સહિત પરિવારના છ વ્યક્તિઓના ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત થયાં હતાં. જ્યારે પરિવારના તરુણને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ મૃતક પરિવાર સુરતના માંડવી જિલ્લાનો હતો. બારડોલીના તરસાડીમાં આ માંડવીનો પરિવાર લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો ત્યારે ડમ્પર સાથે તેમની કાર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ મહિલા, એક પુરુષ અને એક બાળક અને એક બાળકીના મોત ઘટના સ્થળે જ થયા છે.

પોલીસને અકસ્માતની જાણકારી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી  હાથ ધરી હતી. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.. અકસ્માત કેવી રીતે થયો તે અંગેની જાણકારી પ્રાપ્ત થઈ નથી. માંડવીનો પરિવાર લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો.