અમદાવાદઃ શહેરમાં ચોમાસામાં મચ્છરજન્ય ને પાણીજન્ય રોગચાળાના દર્દીઓની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. શહેરમાં ઝાડા-ઉલટી અને ટાઇફોઇડના કેસોમાં વધારો થયો છે. છેલ્લા 23 દિવસમાં ઝાડા-ઊલટીના 773 અને ટાઇફોઇડના 325 કેસો નોંધાયા હતા. જ્યારે કમળાના 136 કેસો છે. કોલેરાના છ કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 73 અને મેલેરિયાના 37 કેસો નોંધાયા છે. AMCના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં કુલ 520 એકમનું ચેકિંગ કરીને 335 એકમોને નોટિસ આપવામાં આવી છે અને રૂ. 10.38 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો વધવાની શક્યતા છે. કોર્પોરેશનની મિલકતો અને સ્કૂલો તેમ જ શૈક્ષણિક સંસ્થા વગેરે જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. આરોગ્ય વિભાગે શહેરની શૈક્ષણિક સંસ્થાઓ, બાંધકામ સાઇટો, કોમર્શિયલ એકમો અને રહેણાંક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું છે, જ્યાં મચ્છરના બ્રિડિંગ મળતાં ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં રોગચાળો અટકાવવા માટે વિવિધ જગ્યાએ ફોગિંગ અને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
શહેરમાં મચ્છરોના બ્રિડિંગ મળી આવતા એકમોને રૂ. 5000થી લઈ 60,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત રહેણાક વિસ્તારોમાં અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા 111 સ્કૂલોમાં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં મ્યુનિ. દ્વારા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા સઘન ચેકિંગ કરાવામાં આવશે.