કોરોનાને અટકાવવા અમદાવાદમાં રાત્રે 10 પછી દુકાનો-બજારો બંધ

અમદાવાદઃ શહેરમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 27 વિસ્તારોમાં 10 વાગ્યા પછી દુકાનો અને બજારો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે શહેરમાં દવાની દુકાનો ખુલ્લી રાખી શકાશે. ઉપરોક્ત નિર્ણયનો અમલ તાત્કાલિક કરવાનો રહેશે. આ નિર્ણય મુજબ અમદાવાદ શહેરના 27 વિસ્તારોમાં રાત્ર 10.00 વાગ્યા પછી કોઈ પણ દુકાન ખુલ્લી નહીં રહે, જેમાં દવાની દુકાનો અપવાદ છે.
શહેરમાં કોરોનાના કેસોની વધુ સ્થિતિ વણસે એ પહેલાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી ડો. રાજીવ ગુપ્તાએ આ નિર્ણય લાગુ કર્યો હતો. આજે બહાર પાડેલા એક આદેશમાં ડૉ.ગુપ્તાએ આ વિસ્તારોના નામ પણ આપી દીધા છે.

AMCએ કહ્યું હતું કે છેલ્લા બે સપ્તાહથી શહેરમાં યુવા વર્ગ દ્વારા કોરોના સામે સાવચેતી રૂપે માસ્ક નહીં પહેરવું, ટોળે વળવું અને સામાજિક અંતરનું પાલન જેવા નિયમોનો ભંગ થતો હતો. જેથી આ કિસ્સાઓને અટકાવવા માટે તમામ દુકાનો અને બજારો રાત્રે 10 વાગ્યા પછી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

માત્ર દવાની દુકાનો જ ચાલુ રહેશે. આજથી જ આ નિર્ણયનો અમલ કરવા આદેશ કરવામાં આવ્યો છે. યુવાનો દ્વારા ટોળામાં બેસી અને કોરોનાની ગાઈડલાઈન્સના ભંગને અટકાવવા તેમ જ તેમના પરિવારમાં બાળકો અને વૃદ્ધોને કોરોના સંક્રમણથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ વિસ્તારોમાં રાત્રે દુકાનો નહીં ખોલી શકાય

 1. પ્રહલાદનગર રોડ
2. YMCAથી કાકે દા ઢાબા (કર્ણાવતી ક્લબ રોડ)
3. બુટભવાની મંદિરથી આનંદનગર રોડ
4. પ્રહલાદનગર ગાર્ડનથી પેલેડિયમ સર્કલ (કોર્પોરેટ રોડ)
5. એસજી હાઈવે
6. ઈસ્કોન ક્રોસ રોડથી શપથ 4-5 સર્વિસ રોડ
7. સિંધુ ભવન રોડ
8. બોપલ-આંબલી રોડ
9. ઈસ્કોનથી બોપલ-આંબલી રોડ
10. ઈસ્કોન-આંબલી રોડથી હેબતપુર રોડ વચ્ચેનો વિસ્તાર
11. સાયન્સ સિટી રોડ
12. શીલજ સર્કલથી સાયન્સ સિટી સર્કલ સુધી 200 ફૂટના એસ. પી. રિંગ રોડ ઉપર
13. આંબલી સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધી 200 ફૂટના એસ. પી. રિંગ રોડ ઉપર
14. સી. જી. રોડ
15. લો ગોર્ડન (ચાર રસ્તા-હેપી સ્ટ્રીટ, મ્યુનિસિપલ માર્કેટ, પંચવટી સર્કલ)
16. વસ્ત્રાપુર તળાવના ફરતે
17. માનસી સર્કલથી ડ્રાઇવ-ઈન રોડ
18. ડ્રાઇવ ઇન રોડ
19. ઓનેસ્ટથી શ્યામલ ક્રોસ રોડ (પ્રહલાદનગર 100 ફૂટ રોડ)
20. શ્યામલ બ્રિજથી જીવરાજ ક્રોસ રોડ
21. બળિયાદેવ મંદિરથી જીવરાજ ક્રોસ રોડ
22. IIM રોડ
23. શિવરંજનીથી જોધપુર ક્રોસ રોડ (BRTS કોરિડોરની બંને બાજુ)
24. રોયલ અકબર ટાવર પાસે
25. સોનલ સિનેમા રોડથી અંબર ટાવરથી વિશાલા સર્કલ
26. સરખેજ રોઝા-કેડિલા સર્કલ-ઉજાલા સર્કલ
27. સાણંદ ક્રોસ રોડ-શાંતિપુરા ક્રોસ રોડ