પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના પ્રમુખ યાત્રાધામો જેવા કે સોમનાથ, દ્વારકાધીશ અને અંબાજી મંદિરો ખાતે સુરક્ષા વધારી દેવામાં આવી છે, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ દરરોજ દર્શન માટે આવે છે. આ ઉપરાંત, જાહેર સ્થળો અને પરિવહન કેન્દ્રો પર પણ પોલીસ અને વિશેષ દળોની તૈનાતી વધારવામાં આવી છે. બનાસકાંઠાના એસપી અક્ષરાજ મકવાણાએ જણાવ્યું કે અંબાજી મંદિર ખાતે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને સ્નાઈપર્સ તૈનાત કરાયા છે, સાથે જ દર્શનાર્થીઓ માટે સઘન સુરક્ષા તપાસ ફરજિયાત કરાઈ છે. આ હુમલામાં ગુજરાતના ત્રણ નાગરિકોના મોત થયા હતા, જેના કારણે રાજ્ય સરકારે સુરક્ષા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
બીજી બાજુ ગુજરાત સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલો હોવાથી, જામનગર, દ્વારકા અને મોરબી જિલ્લાઓમાં દરિયાઈ સુરક્ષા સઘન કરવામાં આવી છે. જામનગર મરીન પોલીસે દરિયાકાંઠાના વિસ્તારો, લેન્ડિંગ પોઈન્ટ્સ અને નજીકના ગામોમાં ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું છે. માછીમારોની બોટ અને તેમની ઓળખની સઘન તપાસ હાથ ધરાઈ છે. રાજકોટ રેન્જના ઈન્સ્પેક્ટર જનરલ અશોક કુમાર યાદવે જણાવ્યું કે, તમામ ચેકપોસ્ટ પર વાહનોની તપાસ અને પેટ્રોલિંગ વધારી દેવાયું છે. દ્વારકામાં 23માંથી 21 ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
સુરક્ષા વધારવા મરીન પોલીસની સાથે LCB, SOG, મરીન કમાન્ડો અને હોમગાર્ડ જવાનોને પણ તૈનાત કરાયા છે. આ ઉપરાંત, દરિયાકાંઠાના ગામો અને આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવે છે. ગુજરાતનો 1,600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો, જેમાં જામનગરનો વિશ્વનો સૌથી મોટો રિલાયન્સ રિફાઈનરી કોમ્પ્લેક્સ અને મુંદ્રા પોર્ટ જેવી મહત્ત્વની સુવિધાઓ આવેલી છે, તેને સુરક્ષિત રાખવા સાવચેતીના પગલાં લેવાયા છે. આ કાર્યવાહી પાકિસ્તાનની નજીકના દરિયાઈ માર્ગો દ્વારા સંભવિત ઘૂસણખોરીને રોકવા માટે અગત્યની છે. સુરક્ષા એજન્સીઓ કેન્દ્રીય એજન્સીઓ સાથે સંકલનમાં કામ કરી રહી છે, જેથી રાજ્યની સુરક્ષા ચુસ્ત રહે.
