સિંહમૃત્યુ વિવાદઃ 150 ટીમે કર્યું સિંહોનું સ્ક્રિનિંગ, આપી દીધો કામગીરીનો રીપોર્ટ

જૂનાગઢ- ગીર પૂર્વ વિભાગ ધારીના દલખાણીયા રેન્જમાં થયેલા ૨૩ સિંહોના મૃત્યુના બનાવ બાદ વન વિભાગે તાકિદના પગલા લઇ સારવાર અને રેસ્કયુ કામગીરી હાથ ધરી છે. જેમાં વન વિભાગની ૧૫૦ ટીમો અને ૬૦૦ જેટલા કર્મચારીઓ દ્વારા પાંચ દિવસમાં તમામ સિંહોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે.રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક એ.કે.સક્સેનાએ જણાવ્યું કે, ગીર પૂર્વ વિભાગ, ધારીના દલખાણીયા રેન્જમાં તાજેતરમાં જે ૨૩ સિંહોના મૃત્યુ થયા હતા. તે પૈકી ૧૪ સિંહોના મૃત્યુ સારવાર દરમિયાન થયા છે. ગીરમાં નિવાસ કરતા સિંહોમાં વાયરસનો પ્રકોપ રોકવા ૩૦૦ નંગ PUREVAX વેકસીન મંગાવવામાં આવી હતી અને પ્રથમ તબક્કામાં સેમરડી તથા પાણીયા વિસ્તારમાંથી રેસ્કયુ કરેલા ૩૩ સિંહને વેકસીનનો એક ડોઝ ૬ ઓકટોબરના રોજ આપવામાં આવ્યો હતો અને આ સિંહો તબીબી અવલોકન હેઠળ છે. એકજ વિસ્તારના સિંહોના મૃત્યુના પ્રમાણને ધ્યાને લઇ કેન્દ્ર સરકારની ટીમે પણ આ સ્થળની મુલાકાત લીધી હતી.

ઇન્ડિયન વેટરનરી રીસર્ચ ઇન્સ્ટિટયુટ બરેલી તથા દિલ્હી ઝુ અને સફારી પાર્ક ઇટાવા, ઉત્તર પ્રદેશના ૧૦ નિષ્ણાતોની ટીમે પણ ગીરની મુલાકાત લીધી હતી. આ ટીમે જસાધાર અને જામવાળાના રેસ્કયુ સેન્ટરની  મુલાકાત લઇ સ્થાનિક વેટરનરી ડોકટર સાથે ચર્ચા-વિચારણા કરી હતી. જેમાં મુખ્યત્વે નિષ્ણાતોની ટીમ અને રાજ્ય સરકાર દ્વારા ઓછા સમયમાં મોટી સંખ્યામાં સિંહોનું રેસ્કયુ કરી સારવાર સેન્ટર ઉપર લાવવાની કામગીરી, બિમાર અને સ્વસ્થ સિંહોની સારવારના દસ્તાવેજો, રીપોર્ટની જાળવણી, રેસ્કયુ સેન્ટરની સુવિધાઓની કરવામાં આવેલ તમામ કામગીરીની નિષ્ણાતોની ટીમે બિરદાવી હતી.