ખેડૂતો આનંદો: રવિ સિઝન માટે સરકાર આપશે નર્મદાનું પાણી

ગાંધીનગર- ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદની અછત વચ્ચે ખરીફ સિઝનમાં 10થી 15 ટકા ઉત્પાદન ઘટે તેવા સરકારના અંદાજ વચ્ચે ખેડૂતો માટે એક રાહતના સમાચાર આવ્યાં છે. રાજ્યમાં 30 ટકા ડેમો ખાલીખમ થઈ ગયા છે. ઉનાળુ સિઝનમાં તો કોઈકાળે સિંચાઈ માટે પાણી અપાય તેવી સ્થિતિ ન હોવા વચ્ચે રવી સિઝનના ઘઉં, ચણા અને રાઈના પાકને સરકારે જીવતદાન આપવાનો નિર્ણય લીધો છે. 30થી 35 લાખ હેક્ટરમાં વાવેતર થતાં રવી પાક માટે પાણી નર્મદાનું પાણી આપવાના સરકારના નિર્ણયથી ખેડૂતોને મોટી રાહત મળી છે.રવિ પાક માટે ખેડૂતોને સરકારે નર્મદાનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે. તે માટે ખેડૂતોએ આગામી પાંચ નવેમ્બર સુધીમાં સંબંધિત કચેરીએ અરજી આપવાની રહેશે. સરકાર દ્વારા નર્મદા કમાન્ડ એરિયામાં પાણી આપવામાં આવશે. જે તે કેનાલ કમાન્ડ એરિયાના 50 ટકા ખેડૂતો અરજી કરે તો પાણી આપવામાં આવશે.

આ સિવાય રવિપાક કયા વિસ્તારમાં તૈયાર થયો અને કેટલું પાણી જોઈએ તે માટેનો ડેટા એકઠો કરવાની પણ કવાયત કરવામાં આવશે.  ગુજરાતમાં રવી સિઝનમાં 35 લાખ હેક્ટરમાં ખેતી થાય છે. જેમાં ઘઉં મહત્વનો પાક છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 26 ટકા ઓછા વરસાદ વચ્ચે ગુજરાત સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. રવી સિઝનમાં ઘઉં, ચણા અને રાઈ જેવા પાકને સરકારના આ નિર્ણયથી મોટું જીવતદાન મળી જશે.