શાળા પ્રવેશોત્સવ: વંચિત બાળકોને શિક્ષણ આપવાનો પ્રયાસ

ગાંધીનગર: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ આવે એ માટે 20 વર્ષ થી શાળા પ્રવેશોત્સવ નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે બિપરજોય વાવાઝોડા ની સંભાવના ની સંભવિત અસરોને કારણે દરિયા કિનારાના દેવ ભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગર, જૂનાગઢ નો શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો. પરંતુ રાજ્ય માં અમદાવાદ, ગાંધીનગર સહિત ઘણાં ગામડાં અને શહેરોમાં શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.

મંગળવાર તારીખ 13 જૂનના રોજ જુના કોબા પ્રાથમિક શાળા ખાતે નવા કોબા અને જુના કોબા પ્રાથમિક શાળાના આંગણવાડી, બાલવાટિકા તથા ધોરણ 1 માં પ્રવેશપાત્ર બાળકોનો પ્રવેશ ઉત્સવ નીતિનભાઈ પ્રજાપતિ નાયબ કલેક્ટર ગાંધીનગર. તેજલબેન નાયી, દંડક કોર્પોરેટર ગાંધીનગર મહાનગરપાલિકા યોગેશભાઈ નાયી, પૂર્વ સરપંચ કોબાની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો.

શાળા પ્રવેશોત્સવના આ પ્રસંગે નવા કોબાના કુલ 25 તથા જૂના કોબાના કુલ 15 એમ 40 બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો. શિક્ષણના આ મિશનના પ્રસંગે બળદેવજી ઠાકોર દ્વારા બંને શાળાના બાળકોની તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. લીલાભાઈ દેસાઈ, વિનુભાઈ ઠાકોર જીગ્નેશભાઈ રાવળ અને શિલ્પાબેન શાહ દ્વારા પણ શાળાને ભેટ આપવામાં આવી હતી.

કોબા ગામના યોગેશભાઈ નાયી દ્વારા ધોરણ 3 થી 8 માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર તેજસ્વી તારલાઓને તથા પ્રવેશ મેળવનાર તમામ બાળકોને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બંને શાળાના SMC ના સભ્યો , વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

અમદાવાદ શહેરમાં પણ ટાગોર હોલ ખાતે સિગ્નલ સ્કૂલ માં આવરી લેવાયેલા બાળકો નો એક અનોખો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. શહેરના ટ્રાફિક સિગ્નલ પર જે મળે એમાં થી ગુજરાન ચલાવતા પરિવારોના એકદમ વંચિત બાળકો ને સિગ્નલ સ્કૂલ માં શિક્ષણ આપવામાં આવે છે. આ બાળકો સ્વચ્છ થઈ, શિસ્ત બદ્ધ રીતે સમાજના સાંપ્રત પ્રવાહ માં જોડાય એવા પ્રયાસ સ્કૂલ બોર્ડ દ્વારા કરવામાં આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)