‘માટી બચાવો’: સદ્દગુરુએ સમજાવ્યું માટીનું મહત્ત્વ

પાલનપુરઃ સદ્દગુરુ તેમના ‘માટી બચાવો’ અભિયાનની ૧૦૦ દિવસની મોટરસાઇકલ યાત્રાના ૭૨મા દિવસે, ૨૪ દેશોની યાત્રા બાદ ૩૧મી મેના રોજ પાલનપુરમાં બનાસ ડેરી દ્વારા આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જે તેમના ભારત પ્રવેશ બાદ જનમાનસ સાથેનો સૌથી મોટો કાર્યક્રમ હતો.

સદ્દગુરુએ આ અભિયાનનું મહત્વ સમજાવતા કહ્યું કે, આ અભિયાન હવે જરૂરિયાત બની ગયું છે. માટી, જેણે આ સભ્યતાનું નિર્માણ કર્યું છે તેનો એટલી હદે વિનાશ થયો છે કે ભારતની ૬ર% માટીને અધોગતિ પામેલી ગણવામાં આવે છે. પ્રાણીઓનું મહત્ત્વ માત્ર તેમના દૂધમાં નથી પરંતુ તેમનું ઉત્સર્જન પણ માટીની ફળદ્રુપતા માટે ખૂબ જ જરૂરી છે. જો આપણે પ્રાણીઓ અને વૃક્ષોને ખેતરોમાં પાછા નહીં લાવીએ તો તે માટીની હત્યા કરવા સમાન છે.

બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ એમના સંબોધનમાં કહ્યું કે, “પાણી અને જમીન આપણી સામેનો એક જૂનો પ્રશ્ન છે. ઘણા વર્ષોથી સદ્દગુરુ માટીને બચાવવાનું કર્યા કરી રહ્યા છે. તેમનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે માટી બચવી જોઈએ. જો માટી બચશે, તો અનાજ ઉત્પન્ન થશે અને મનુષ્યો ટકી શકશે. સદ્દગુરુએ દુનિયાના ઘણા દેશોના નીતિ નિર્ધારકોને આ વાત સમજાવી છે. થોડા સમય પહેલા, હું અને આપણા એમ.ડી. સંગ્રામ સિંહ તેમના કોઈમ્બતુર ખાતેના આશ્રમમાં તેમને વિનંતી કરવા ગયા હતા કે તમે એક વાર બનાસ પધારો. અને સદ્દગુરુએ આપણી વિનંતી સ્વીકારી અને તેમની દુનિયાના અનેક દેશોની યાત્રા પછી આપણે ત્યાં આવ્યા છે જે આપણા માટે ગૌરવનો વિષય છે. અમે આટલા લોકોની સામે વચન આપીએ છીએ કે કરોડો વૃક્ષો વાવીને આખા બનાસની ધરતીને આપણે હરિયાળી કરીશું.”

આ એક ઐતિહાસિક પળ છે તેવું કહીને બનાસ ડેરીના એમ.ડી. સંગ્રામ સિંહે ઉમેર્યું કે, “જો આપણે આ ધરતી માતાને જીવતી રાખવા માંગતા હોઈએ તો સદ્દગુરુના આ મિશનમાં સૌએ સાથ આપવો પડશે. હું તમને મારી સાથે આ પ્રતિજ્ઞા લેવા માટે આમંત્રિત કરું છું કે આપણે સૌ સદ્દગુરુના આ મિશનમાં સાથે જોડાઈને બનાસની ધરતીને આવનારી પેઢી માટે જીવતી રાખવા કટિબદ્ધ થઈશું. સદ્દગુરુ અમે બનાસકાંઠાના લોકો વચન આપીએ છીએ કે, અમે તમારા મિશનને આગળ લઈ જઈને આપણી માતા એવી આ માટીને પુનર્જીવિત કરીશું.”

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે તેઓ પોતે સદ્દગુરુના શિષ્ય છે અને તેમણે સદ્દગુરુના રેલી ફોર રિવર્સ અભિયાનથી પ્રેરિત થઇને તાપી નદી પર સફાઈ કામગીરી શરુ કરી છે. તેઓ સદ્દગુરુની ફિટનેસથી પ્રભાવિત થયા અને તેમણે સદ્દગુરુની બધા પ્રકારના કઠોર હવામાનમાંથી પસાર થઇને 20,000 કિમીની મોટરસાઇકલ યાત્રાને બિરદાવી. આમ મનુષ્ય જીવન માટે ખુબ જ જરૂરી એવા માટી બચાવો અભિયાનના કાર્યક્રમનું પાલનપુરમાં ખૂબ સરસ આયોજન થયું. હાજર રહેલા હજારો લોકોએ માટી બચાવવા માટે આગળ આવીને ગુજરાતની ધરતીને ફરી હરિયાળી બનાવવાની પ્રતિજ્ઞા લીધેલી.