અમદાવાદ- શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત સરકારનું પ્રવાસન ખાતું ઉત્તરાયણ નિમિત્તે પતંગોત્સવની ઉજવણી કરી રહ્યું છે. એમાંય હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારથી પતંગોત્સવ મોટા સ્કેલ પર જોવા મળી રહ્યો છે. વિશાળ સ્ટેજ , રંગારંગ કાર્યક્રમો, બાળકોના સૂર્યનમસ્કાર યોગાસન સાથે દેશી-વિદેશી પતંગબાજો પતંગોત્સવની મોજ માણે છે.
આ વર્ષે 7 જાન્યુઆરી, મંગળવારે વહેલી સવારે પતંગોત્સવની સાબરમતી રિવરફ્રન્ટ પર વિધિવત શરુઆત થઇ ગઈ છે. આ પતંગોત્સવમાં ગુજરાત ટુરિઝમે સ્ટેટ્યુ ઓફ યુનિટી, ગાંધીના 150 માં વર્ષની ઉજવણી, પોલો ફોરેસ્ટ, ચાંપાનેર, અમદાવાદ ની હેરિટેજ સાઇટની તસવીરી ઝલક, પેવેલિયન તૈયાર કર્યા છે. આ સાથે કળાત્મક ચીજવસ્તુઓના સ્ટોલ્સ અને ફૂડ સ્ટોલ્સ પણ તૈયાર થઇ ગયા છે.
પણ…2020ની શરુઆતમાં જ ઉજવાનારા આ પતંગોત્સવમાં પક્ષી બચાવોના હોર્ડિંગ્સ , કટઆઉટ્સ સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે. પતંગો દ્વારા પક્ષીઓની પાખો કપાઇ ના જાય એ માટે સરકારના જુદા જુદા વિભાગો દ્વારા કરુણાના દર્શાવવાના કાર્યક્રમો શરુ થઇ ગયા છે. પતંગોત્સવની ઉજવણી અને ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓને દોરી દ્વારા ઇજાઓનાથાય એ માટેની જીવદયાની અપીલ કરતાં પોસ્ટર્સ, બેનર્સ પતંગોત્સવમાં જોવા મળી રહ્યા છે. એટલે પતંગોત્સવ માણજો સાથે પક્ષીઓ પણ બચાવજો…એવું સરકાર અપીલ કરી રહી છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
