જેએનયુના પડઘા અમદાવાદમાં: વિદ્યાર્થી પાંખો વચ્ચે ઘર્ષણ

અમદાવાદ: દિલ્હીની જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં રવિવારે થયેલી હિંસાની દેશભરમાં નોંધ લેવાઈ રહી છે. ત્યારે આ ઘટનાના અમદાવાદમાં પણ પડઘા પડયા છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું અને લાકડી-ધોકાઓ વડે સામ-સામે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. એબીવીપી કાર્યાલય પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

બીજીતરફ સ્થિતિને કાબૂમાં લેવાના નામે પોલીસે પણ એનએસયુઆઈના જ કાર્યકરોને ટાર્ગેટ કરીને માર્યા હોવાના આક્ષેપો થયા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર એનએસયુઆઈના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી સહિત તેના પાંચ કાર્યકરોને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ લઈ જવાયા છે. આ ઉપરાંત 10થી 12 લોકો ઘાયલ થયા છે. તો ભાજપના યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

જેએનયુમાં બુકાનીધારીઓના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો પર હુમલાના વિરોધમાં આજે સવારે એનએસયુઆઈના કાર્યકરો પાલડી સ્થિત એબીવીપીના કાર્યાલય પાસેથી ઝંડા લઈને વિરોધ પ્રદર્શન કરવાના હતા. સવારે એનએસયુઆઈના કાર્યકરો પાલડી પહોંચ્યા ત્યાં સુધી તો સ્થિતિ સામાન્ય હતી પરંતુ એકાએક ઉહાપોહ મચી ગયો હતો અને વિરોધ પ્રદર્શન સમરાંગણમાં ફેલાઈ ગયું હતું. પાઈપો, લાકડીઓ અને ધોકાઓ લઈને દોડી આવેલા યુવાનોએ એનએસયુઆઈના કાર્યકરોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું.

એનએસયુઆઈના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીએ આક્ષેપ કર્યો હતો કે, તેમના કાર્યકરો તો શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા જે તેમનો અધિકાર છે. તેમણે ગઈકાલે સાંજથી જ આ માટે આહવાન પણ કરી દીધું હતું. પરંતુ એબીવીપીના કાર્યકરો અગાઉથી જ લાકડીઓ અને પાઈપો જેવા હથિયારો વડે સજ્જ હતા. જેવી અમારી રેલી તેમના કાર્યાલય પાસે પહોંચી કે તુરત તેઓ પૂર્વાયોજિત કાવતરાના ભાગરૂપે અમારી પર ચોતરફથી તૂટી પડ્યા હતા. તેમણે અમને ઘેરી લઈને અમારી પર હુમલો કર્યો હતો અને પથ્થરમારો પણ કર્યો હતો.

એનએસયુઆઈના કાર્યકરોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસને પણ આ હિંસા માટે જાણે અગાઉથી જ સૂચના હોય તે રીતે તેમણે એનએસયુઆઈના કાર્યકરોને જ નિશાન બનાવ્યા હતા. પોલીસ અચાનક દોડતી આવી અને એનએસયુઆઈના કાર્યકરોને એકલા પાડી-પાડીને તેમને મારમાર્યો હતો સંખ્યાબંધ કાર્યકરોને આ કારણે નાની-મોટી ઈજાઓ પહોંચી છે અને તેમને હાલ સારવાર આપવામાં આવી રહી છે. પોલીસની આવી વરવી ભૂમિકાને પણ પ્રજા માફ નહીં કરે તેમ નિખિલ સવાણીએ કહ્યું હતું.

કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કહ્યું કે, આ આખી પરિસ્થિતિને સમજવાની જરૂર છે કારણ કે જે રીતે એબીવીપીના કાર્યકરોએ પ્રિપ્લાન કરીને હુમલો કર્યો છે તે ઘણું કહી જાય છે. એનએસયુઆઈના કાર્યકરો તો લોકતાંત્રિક રીતે જેએનયુની હિંસા સંબંધે માત્રા રજૂઆત કરવા ગયા હતા. પરંતુ ભાજપ અને એબીવીપીના કાર્યકરોએ પૂર્વાયોજિત કાવતરું પાર પાડતા એનએસયુઆઈના કાર્યકરોને ઘેરીને બરાબરના માર્યા હતા. આમ, એબીવીપીનો ગુંડાગીરીનો ચહેરો દેશભરમાં ઉઘાડો પડી ગયો છે.

(તસવીર: પ્રજ્ઞેશ વ્યાસ)