વલ્લભ વિદ્યાનગરઃ ગુજરાતના વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઇન્સ્ટિટ્યૂટ ઑફ રુરલ મેનેજમેન્ટ આણંદ (IRMA)ના ચેરમેન દિલીપ રથને મેનેજમેન્ટમાં પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. ‘લાઇવલિહૂડ થ્રૂ ડેરી ડેવલપમેન્ટ બાય ઇન્ક્લ્યુસિવ પ્રોડ્યૂસર ઇન્સ્ટિટ્યૂશન્સ એન્ડ એનેબલિંગ પૉલિસી એન્વાર્યમેન્ટ ઇન સીલેક્ટ રીજન્સ ઑફ ઇન્ડિયા’ નામની તેમની થીસીસ બદલ તેમને આ ડિગ્રી આપવામાં આવી છે. આ થીસીસ ગ્રામ્ય પશુપાલકોને કન્ઝ્યુમર પ્રાઇઝમાંથી તેમનો યોગ્ય હિસ્સો પ્રાપ્ત થાય તે ખાતરી કરવા તેમની આજીવિકની સમસ્યાઓ સાથે કામ પાર પાડવાના તેમના બહોળા અનુભવ પર પ્રકાશ પાડે છે.
દિલીપ રથનું સંશોધન ગ્રામ્ય આજીવિકાના સ્રોત તરીકે ડેરીઉદ્યોગના મહત્ત્વ તથા દૂધ ઉત્પાદકો માટે ન્યાયી અને પારદર્શક સંસ્થાગત માળખાંઓની જરૂરિયાતો પર કેન્દ્રીત છે. દેશમાં ડેરી વિકાસમાં તેમનો દાયકાઓનો બહોળો અનુભવ સૂચવે છે કે, જો ઉત્પાદકોને બાંયધરીપૂર્વકનું બજાર પ્રાપ્ત થાય તો પ્રગતિને પામી શકાય છે. તેનાથી પશુપાલકોની આવકમાં તો વધારો થશે જ પરંતુ તેની સાથે-સાથે દૂધના ઉત્પાદનમાં અને અર્ધ-વિકસિત વિસ્તારોમાં પણ વેચવા યોગ્ય ફાજલ જથ્થામાં પણ વધારો કરશે.
તેમના સંશોધનમાં યોગ્ય યોજનાઓ અને નીતિઓ મારફતે સરકારની સક્રિય સામેલગીરી પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે, જેનાથી એક સક્ષમ માહોલની રચના થઈ શકી છે અને તેના પરિણામસ્વરૂપ સ્થાયી આજીવિકા પૂરી પાડવા માટે ડેરીઉદ્યોગના વિકાસની વિવિધ પહેલને ખૂબ જ જરૂરી પ્રોત્સાહન પણ પૂરું પાડી શકાયું છે.
આ થીસીસમાં કંપનીઝ એક્ટ હેઠળ દૂધ ઉત્પાદક કંપનીઓની સ્થાપના પર ભાર મૂકવામાં આવ્યો છે, જેણે પરંપરાગત ડેરી સહકારી મંડળીઓ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ અને અવરોધોને દૂર કરવામાં ઘણી મોટી ભૂમિકા ભજવી છે અને ડેરીઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે એક અસરકારક માધ્યમ સાબિત થઈ છે.
સરકાર દૂધ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા પછાત વિસ્તારોમાં પશુપાલકોના હિતની સુરક્ષા કરવા માટે દિલીપ રથ દ્વારા કરવામાં આવેલી ભલામણો પર ધ્યાન આપી શકે છે અને તેને અપનાવવા માટે વિચારણા પણ શકે છે. આજીવિકાની યોગ્ય તકોનો અભાવ આ સામાજિક-આર્થિક પછાતપણા પાછળનું મુખ્ય કારણ છે અને ડેરીઉદ્યોગ તેના માટે એકમાત્ર આશાનું કિરણ છે.
દિલીપ રથે અર્થશાસ્ત્રમાં ઑનર્સની સાથે ગ્રેજ્યુએશન કર્યું છે અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર્સ કરેલું છે. ત્યારબાદ, તેઓ અર્થશાસ્ત્રમાં એમએસસી કરવા માટે લંડન સ્કુલ ઑફ ઇકોનોમિક્સમાં ગયાં હતા. તેઓ વર્ષ 1979માં ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં જોડાયા હતા તથા પશ્ચિમ બંગાળ, ઓડિશાની રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર હેઠળ વિવિધ પદો પર સેવા પૂરી પાડી હતી. આ અગાઉ તેઓ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (એનડીડીબી), મધર ડેરી ફ્રૂટ એન્ડ વેજીટેબલ પ્રા. લિ., ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ્સ લિ., એનડીડીબી ડેરી સર્વિસિઝ, આઇડીએમસી લિ. અને પ્રિસ્ટાઇન બાયોલોજિકલ્સ (એનઝેડ) લિ.ના ચેરમેન રહી ચૂક્યાં છે.
તેમના શિરે આવશ્યક ચીજવસ્તુઓના વધતાં જઈ રહેલા ભાવોના સંદર્ભમાં દેશમાં દૂધની સ્થિતિ પર નજર રાખવાની જવાબદારી હતી. આ ઉપરાંત, તેઓ નેશનલ ડેરી પ્લાનના પ્રોજેક્ટની પરિકલ્પના અને રચનામાં ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા. તેમણે વર્લ્ડ બેંકની સહાયથી સંચાલિત થનારી યોજના નેશનલ ડેરી પ્લાનમાં મિશન ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું, જેનું અમલીકરણ એનડીડીબી મારફતે ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓ ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન (આઇડીએફ)ની જનરલ એસેમ્બલી દરમિયાન નવેમ્બર 2020માં ઇન્ટરનેશલ ડેરી ફેડરેશનના બૉર્ડમાં સર્વસંમતિથી ચૂંટાઈ આવ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે, દિલીપ રથ જુલાઈ 2017થી ઇન્સ્ટિટ્યૂટ ઑફ રુરલ મેનેજમેન્ટ આણંદના ચેરમેન છે.
દિલીપ રથના પ્રશંસા પામેલા સંશોધન લેખોમાં સમાવિષ્ટ છેઃ પ્રોસ્પેક્ટ્સ એન્ડ સ્ટ્રેટેજિસ ફૉર એક્સેલરેટિંગ ધી ગ્રોથ ઑફ ધી એગ્રીકલ્ચર એન્ડ એલાઇડ સેક્ટર ઇન ઓડિશા વિથ સ્પેસિફિક રેફરન્સ ટુ ડેરીઇંગ, મેન્યોર મેનેજમેન્ટ વેલ્યૂ ચેઇન – એન એફિશિયેન્ટ મોડેલ ફૉર ડબલિંગ ઑફ ફાર્મર્સ ઇન્કમ, સોલરાઇઝિંગ એગ્રીકલ્ચર થ્રૂ કૉઑપરેટિવ મોડેલ એન્ડ એથેનો વેટેરિનેરી મેડિસિન ફૉર રીસ્પોન્સિબલ ડેરીઇંગ.