આણંદ: સંગીતના કલાકારોને પ્લેટફોર્મ પુરું પાડવાના ઉદ્દેશયથી મયંક રાવલ ફાઉન્ડેશન દ્વારા સંગીત સમ્રાટ સીઝન-1 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૮ દેશોમાંથી ૪૭૭થી વધુ સંગીતપ્રેમીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડમાં ૧૪ ગાયક અને ગાયિકાઓએ પોતે સ્વરાંકન કરેલા ગીત રજૂ કર્યા હતા. તેમજ મયંક રાવલ રચિત 160 ગીત પૈકી 60 ગીત સ્પર્ધકોએ પોતે સ્વરાંકન કરીને રજૂ કર્યા હતા, જેનું રેકોર્ડિગ કરીને તૈયાર કરાયેલા 8 આલ્બમ પણ રિલીઝ કરવામાં આવ્યા હતા. સંગીત સમ્રાટ સીઝન ૧ શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીત એમ બે ભાગમાં યોજવામાં આવી હતી.
મયંક રાવલ ફાઉન્ડેશન નારી સંચાલિત ફાઉન્ડેશન છે જેના ચેરપર્સન આર્ટીસ્ટ હેમલત્તાબેન રાવલ, સેક્રેટરી સેજલ રાવલ અને વિશ્વા રાવલ છે. ફાઉન્ડેશન દ્વારા સંગીતના ક્ષેત્રમાં કલાકારોને પોતાની કલા રજૂ કરવાની તક અને પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી સંગીત સમ્રાટ સીઝન-1નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ દેશમાંથી ૪૭૭ એન્ટ્રી આવી હતી. આ સ્પર્ધામાં 11 વર્ષથી લઇને અમેરિકાથી 67 વર્ષીય રીટાબેને ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જુદા જુદા લેવલ પર સ્પર્ધકોને અલગ અલગ ટાસ્ક આપવામાં આવ્યા હતા. સ્પર્ધકોએ પણ ઉત્સાહભેર ટાસ્ક પુરા કરતાં શ્રેષ્ઠ દેખાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પરર્ફોમન્સના આધારે ફાઇનલ રાઉન્ડમાં શાસ્ત્રીય સંગીતમાં 6 અને સુગમ સંગીતમાં 8 સ્પર્ધકો મળીને કુલ 14 સ્પર્ધકો પહોંચ્યા હતા. આણંદ સ્થિત ડી.એન.હાઇસ્કૂલ કેમ્પસમાં આવેલા પ્રાર્થના મંદિર હોલમાં ફાઇનલ રાઉન્ડ યોજવામાં આવ્યો હતો. ફાઇનલ રાઉન્ડમાં સ્પર્ધકોએ મયંક રાવલ રચિત ગીતનું પોતે સ્વરાંકન કરીને રજૂ કર્યા હતા. ફાઇનલ રાઉન્ડમાં જ્યુરી તરીકે માયા દિપક, નરેન્દ્ર પંચોલી અને રવિન નાયકે સેવા આપી હતી. આ પ્રસંગે હેપ્પી ફેસીસ ફાઉન્ડેશનના ચેરપર્સન રીટાબેન ભગત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ફાઇનલ રાઉન્ડના અંતે જુદી જુદી કેટેગરીમાં 37 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
સંગીત સમ્રાટનો ખિતાબ શાસ્ત્રીય સંગીતમાં અમદાવાદના શૈલ માંર્કડ તથા સુગમ સંગીતમાં સુરતના આર્ઝવ રાવલ અને વડોદરાના નિતી દવેએ મેળવ્યો હતો. બેસ્ટ કમ્પોઝર તરીકે નિતી દવે, ઋત્વિક પ્રજાપતિ, જસ્ટીન પરમાર, ઉપેન્દ્ર મહેતા, ત્વીશા ભટ્ટ, આર્ઝવ રાવલને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ તેઓના કંઠે પોતે સ્વરાંકન કરીને ગાયેલા ગીતોનું આલ્બમ રિલીઝ કરવામાં આવ્યું હતું.
બેસ્ટ સિન્સિયરનો ખિતાબ નિતી દવે, ત્વીશા ભટ્ટ અને યુએસએના રીટાબેન, સ્પેશિયલ રેકોગ્નાઇઝ માટે દ્વારકાના કંદર્પ શુકલા અને નિતી દવે, શ્રેષ્ઠ ગુરુ માટે સચિન લિમયે, હર્ષવર્ધન નાયક અને મેલોડી વોઇસ માટે અંકિત ચૌહાણને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિદ્યાનગરની રમા મનુભાઇ દેસાઇ સ્કૂલ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ, આણંદની સંગીત વિદ્યાલય અને સ્વવિહાર ક્લાસીસને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન બહુમુખી પ્રતિભા ધરાવતાં આર્ટીટેક્ટ મયંક રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની રૂપરેખા વિશ્વા રાવલે અને ટ્રોફીની ડીઝાઇન કવિશ રાવલે તૈયાર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મયંક રાવલ ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2006થી દર વર્ષે ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેમાં અત્યાર સુધીમાં ત્રણ લાખ વધુ સ્પર્ધકોએ ભાગ લીધો છે. મયંક રાવલ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્શ્ય ઉભરતાં કલાકારોને પ્રોત્સાહન આપવું, કલા પ્રદર્શિત કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પુરું પાડવાનું તેમજ શિક્ષણ અને આરોગ્ય માટે જરૂરી સહાય કરીને સમાજને મદદરૂપ થવાનું છે.