અનામત મુદ્દે સામ પિત્રોડાનું નિવેદનઃ કોંગ્રેસને મુશ્કેલી

અમદાવાદ- એકતરફ પાટીદારોને અનામતને આધારે પોતાના પલડે લાવવાની ભરપૂર કોશિશ પક્ષ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કરી રહ્યાં છે ત્યાં શુક્રવારે અમદાવાદમાં ઓવરસીઝ કોંગ્રેસ ચેરમેન અને ટેકનોક્રેટ સામ પિત્રોડાએ કંઇક અલગ નિવેદન આપી સૌને ચોંકાવ્યાં હતાં. તેમણે કહ્યું કે ગુજરાતમાં અનામત આપ્યાં વિના પણ ઘણું થઇ શકે છે. અનામત વગર પણ આગળ વધી શકાય છે.

સામ પિત્રોડા હાલ પાંચ દિવસ ગુજરાતમાં છે અને વિભિન્ન વર્ગો સાથે મુલાકાતો કરી રહ્યાં છે. આ દરમિયાન તેમણે નિવેદન આપ્યું હતું કે વિકસિત થવા માટે બધાંને અનામતની જરુર નથી, જોકે કેટલાંક એવા વર્ગ છે જેમને વિશેષ સુવિધાઓ આપી શકાય છે.

તેમને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ અનામતને લઇને પાટીદારો સાથે વાતચીત કરી રહી છે તેના જવાબમાં પિત્રોડાએ કહ્યું કે પક્ષ તેના પર વિચાર કરશે. સામ પિત્રોડાને રાહુલ ગાંધીના નજીકના વ્યક્તિમાં માનવામાં આવે છે ત્યારે અનામતને લઇને તેમના આ નિવેદન પક્ષને મૂંઝવણમાં મૂકી શકે છે.