રાજકોટ : ફળોના રાજા કેરીની સીઝન શરૂ થઈ ગઈ છે. ગીરની કેસર કેરી દેશ – દુનિયામાં વિખ્યાત છે. તાલાલા ગીર ના માર્કેટ યાર્ડમાં આજે ગુજરાતના સ્થાપના દિવસથી કેસર કેરીના બોક્સ ની આવક શરૂ થઇ છે અને હરાજીની શરૂઆત થઈ છે. હવે ગુજરાતના અન્ય ભાગોમાં ગીરની કેસર કેરીની આવક વધશે.
આજે તાલાલામાં કેસર કેરીના બોક્સની હરાજીની બોલી શરુ કરવામાં આવી છે તે જ્યાં સુધી તમામ માલ ખલાસ નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે તેમ યાર્ડ ના સતાધીશો એ જણાવ્યું હતું. આજે હરાજીમાં પહેલા દિવસે 3400 જેટલા કેરીના બોક્સની આવક થઈ છે જે ગયા વર્ષ કરતા ઓછી છે. ભાવ ગત વર્ષ કરતા આ વર્ષે ઊંચા રહેશે.
તાલાલા યાર્ડમાં ગત સાલ 11.50 લાખ કેરીના બોક્સની આખી સીઝનમાં આવક રહી હતી. આ વર્ષે ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસરના ભાગ રૂપે પાક ઓછો થયો છે. આ વર્ષે પાંચ લાખ બોક્સની આવક થવાનો અંદાજ સ્થાનિક ખેડૂતોનો છે.
સૌરાષ્ટ્રના ગોંડલ સહિત અન્ય યાર્ડમાં છેલ્લા દસ દિવસથી કેરીની અવક શરૂ થઈ છે. ગોંડલમાં ગઈકાલે 1.50 લાખ બોક્સની આવક રહી હતી અને ભાવ 10 કિલોનો રૂપિયા 1400 થી 1900 સુધીનો રહ્યો હતો. રાજકોટ મેંગો માર્કેટમાં 4000 બોક્સની આવક થઈ હતી તે ગત વર્ષે આ દિવસોમાં 12000 બોક્સની આવક હતી. આમ આ વર્ષે દરેક યાર્ડમાં કેરીની આવક ઘટી છે. સામાન્ય લોકો આ વર્ષે કેસર કેરીનો સ્વાદ માણવો મુશ્કેલ બનશે તેવા ઊંચા ભાવ છે.
(દેવેન્દ્ર જાની, રાજકોટ)