વાઇબ્રન્ટ સમીટમાં રોકાણકારોને આકર્ષવા પાંચ શહેરોમાં રોડ-શો

અમદાવાદઃ દિવાળી પછી ગાંધીનગર સચિવાલયના અલગ-અલગ વિભાગો દ્વારા વાઇબ્રન્ટ સમીટની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વાઇબ્રન્ટ સમીટની તૈયારીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા દિલ્હી ઉપરાંત મુંબઈ, લખનઉ, કોલકત્તા અને બેંગલોરમાં રોડ-શોનું આયોજન કરવામાં આવશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રતિનિધિ મંડળ અનેક રાજ્યોમાં આયોજિત રોડ- શોમાં ભાગ લેશે. ગાંધીનગર અને અમદાવાદમાં દેશ-વિદેશના આમંત્રિતો, ડેલિગેશન ઉપરાંત VVIP અને VIP મહેમાનોના રહેવા-જમવાની વ્યવસ્થા કરવાના ભાગરૂપે તેમની યાદી તૈયાર કરીને ખાસ ડેટા-બેન્ક ઊભી કરવાની કામગીરી સચિવાલયમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્ટ સમિટમાં વિદેશ તેમજ અન્ય પ્રાંતના અલગ અલગ કક્ષાના મહાનુભાવોની સરભરા કરવા તેમ જ તેમના પ્રોટોકોલ જાળવણી જેવા મુદ્દાઓની સમીક્ષા થઇ રહી હોવાના અહેવાલ છે.
રાજ્ય સરકાર વાઇબ્રન્ટ સમિટ પહેલાં દિલ્હી, મુંબઈ, લખનઉ ,કલકત્તા અને બેંગલોર જેવાં શહેરોમાં રોડ-શો આયોજિત કરશે. આ રોડ-શોમાં અન્ય રાજ્યના સ્થાનિક રોકાણકારો અને ઉદ્યોગકારોને વાઇબ્રન્ટ સમીટમાં આવવા માટેનું આમંત્રણ પણ સરકાર દ્વારા આપવામાં આવશે.

આ ઉપરાંત વાઇબ્રન્ટ સમીટમાં વાહન-વ્યવસ્થામાં ઈ-વેહિકલનો ઉપયોગ કરવામાં આવશે, જેની ઉપલબ્ધતા અંગે પણ આખરી ઓપ આપવામાં આવ્યો હોવાના અહેવાલ છે. આ સમીટ માટે એરપોર્ટથી ગાંધીનગરના માર્ગો ઉપર વૃક્ષોનું ટ્રિમિંગ તેમ જ જાહેર માર્ગોની સફાઈ સહિતની કામગીરીની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.