સાબરમતીના કાંઠે ઉત્તર ભારતીયોએ છઠ પૂજા કરી

અમદાવાદઃ ઉત્તર ભારતના બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને નેપાળના અમુક ભાગમાં છઠ પૂજા એક વિશેષ તહેવાર છે. દિવાળી પછીની છઠે ઉત્સાહ સાથે મહિલાઓ છઠ મૈયાની પૂજા કરે. આ સમયે મહિલાઓ 36 કલાકનું નિર્જળા વ્રત કરે છે. આ તહેવાર સાથે કેટલીય માન્યતાઓ જોડાયેલી છે. મહિલાઓ સારા પાક, પરિવારની સુખ-સમૃદ્ધિ અને સંતાનોના દીર્ઘાયુ માટે આ વ્રત રાખે છે. છઠ પૂજાના પર્વને અમદાવાદની સાબરમતી નદીમાં પણ ઊજવવામાં આવ્યો હતો.

ઉત્તર ભારતીયોની વસ્તી અમદાવાદના પૂર્વ-પશ્ચિમમાં મોટા પ્રમાણમાં છે. અમદાવાદના ઇંદિરા બ્રિજ નીચે સરકારી કાર્યક્રમ સાથે છઠ પૂજાની વ્યવસ્થા કરવામાં આવી.

કોરોનાના રોગચાળાને કારણે ગાઇડલાઇન પણ નક્કી કરવામાં આવી હતી. સુકાઇ રહેલી સાબરમતીના એક ભાગમાં નર્મદાનું પાણી પણ ભરી આપવામાં આવ્યું હતું. એમ છતાં નદીના પટમાં અને માર્ગો પર ભારે ભીડ જોવા મળી હતી. કેટલાક શ્રદ્ધાળુઓએ નદીમાં સ્વચ્છતા જળવાય એ માટે જાતે નાનાં કુંડ બનાવી સૂર્યની પૂજા કરી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)