ભરુચઃ દહેજથી ઘોઘા જતી રોપેક્ષ ફેરી સર્વિસમાં યાંત્રીક ખામી સર્જાઈ છે. યાંત્રીક ખામી સર્જાવાના કારણે રોપેક્ષ ફેરી સર્વિસની સોમવાર સુધીની તમામ ટ્રીપો રદ્દ કરવામાં આવી છે. જે મુસાફરોએ આ ત્રણ દિવસ માટે બુકિંગ કર્યું હતું તેમને પૈસા રિફંડ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 21 નવેમ્બરના રોજ રો-રો ફેરીનું જહાંજ મધ દરિયે યાંત્રીક ખામી સર્જાવાના કારણે બંધ પડી ગયું હતું. દહેજથી ઘોઘા તરફ સવારે 11 વાગ્યે આવકી ટ્રીપના જહાંજમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી જેથી મધદરિયે આ જહાંજ ખોટકાયું હતું.
ગુજરાતના ઘોઘા અને દહેજ વચ્ચે ખંભાતના અખાતમાં શરુ કરાયેલો રો-રો ફેરીનો આ પ્રોજેક્ટ એક પડકારરુપ પ્રોજેક્ટ છે કારણ કે અહીંયા આવતા દરિયાના મોજાઓમાં 11 મીટરથી વધારેની વિવિધતા જોવા મળી છે. આનો પ્રવાહ દિવસ દરમિયાન 4 થી 5 નોટીકલ માઈલ જેટલો રહે છે ત્યારે આવી પરિસ્થિતીમાં પ્રોજેક્ટ વિકસાવવો એ ગુજરાત મેરીટાઈમ બોર્ડ માટે સૌથી મોટો પડકાર હતો પરંતુ આ પડકારને ઉપાડી લેવામાં આવ્યો છે. તેમણે તેમની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે અને હવે આઈએસપીએલ ફેરીનું સંચાલન સફળતાપૂર્વક હાથ ધરશે.
જો કે અત્યારે હાલ તો રો-રો ફેરી સર્વીસના જહાજમાં ટેક્નિકલ ક્ષતી આવી છે જેથી તેને ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે. મહત્વનું છે કે રો-રો ફેરીમાં પ્રવાસ કરવા માટે મુસાફરોએ પહેલાથી જ બુકિંગ કરાવ્યું હોય છે. ત્યારે આ ત્રણ દિવસ માટે જે મુસાફરોએ રો-રો ફેરીમાં પ્રવાસ કરવા માટે બુકિંગ કરાવ્યું છે તે તમામ મુસાફરોના પૈસા તેમને પરત આપી દેવામાં આવશે.