જામનગર – ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાં છે.
રીવાબા જાડેજા ગુજરાતના કૃષિ પ્રધાન આર.સી. ફળદુ અને સંસદસભ્ય પૂનમ માડમની હાજરીમાં શાસક ભાજપમાં જોડાયાં હતાં.
લોકસભા ચૂંટણી પૂર્વે રીવાબા આજે અહીં ભાજપમાં જોડાયાં અને કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એમનાં પ્રેરણામૂર્તિ છે.
જામનગર રવિન્દ્ર જાડેજાનું વતન છે.
આજે પક્ષના એક કાર્યક્રમ દરમિયાન ફળદુએ રીવાબાને એમનાં ખભા પર કેસરી રંગનો સ્કાર્ફ પહેરાવીને એમને પાર્ટીમાં સામેલ કર્યાં હતાં.
બાદમાં, પત્રકારો સાથેની વાતચીતમાં રીવાબા જાડેજાએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિ તથા વ્યક્તિત્વ એમને માટે પ્રેરણાસ્રોત તથા પ્રોત્સાહન બન્યાં છે અને એને કારણે જ પોતે ભાજપમાં સામેલ થયાં છે.
શું તમારાં આ નિર્ણયને તમારાં પતિનો સંપૂર્ણ ટેકો છે? એવા સવાલના જવાબમાં રીવાબાએ કહ્યું કે, આપણે ત્યાં હજી પણ પુરુષપ્રધાન પદ્ધતિ છે અને મહિલાઓને એમનાં પતિદેવો પાસેથી પરવાનગી લેવી પડતી હોય છે. તેમ છતાં મને તો મારાં પતિએ પરવાનગી તેમજ આવનારાં સમયમાં તમામ પ્રકારના સહયોગની ખાતરી આપી છે. મારે સમાજસેવા કરવી છે.
વડા પ્રધાન મોદી આવતીકાલે જામનગર આવી રહ્યા છે અને ઘણા કાર્યક્રમોમાં ભાગ લેવાનાં છે.
ઉલ્લેખનીય છે કે, બોલીવૂડની પદ્માવત ફિલ્મ સામેના વિરોધ વખતે પ્રકાશમાં આવેલા સંગઠન રાજપૂત કરણી સેનાએ ગયા વર્ષની 19 ઓક્ટોબરે રીવાબાને તેનાં ગુજરાત એકમની મહિલા પાંખનાં પ્રમુખ તરીકે નિયુક્ત કર્યાં હતાં.
રવિન્દ્ર જાડેજાના મોટાં બહેન નયનાબા જાડેજા પણ રાજકારણમાં જોડાયાં છે. ગઈ પાંચ ફેબ્રુઆરીએ એમને નવા રચાયેલા નેશનલ વિમેન્સ પાર્ટીનાં પશ્ચિમ ઝોન (ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન)નાં ઈન-ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે.
રીવાબા મૂળ જૂનાગઢ જિલ્લાના કેશોદનાં વતની છે. એ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ થયાં છે. 2016ના એપ્રિલમાં રવિન્દ્ર સાથે એમનાં લગ્ન થયાં હતાં. રીવાબાએ ગયા વર્ષના જૂનમાં પુત્રીને જન્મ આપ્યો હતો.