લુબાન ચક્રાવાતથી ઓમાનમાં ફસાયેલા ગુજરાતી ખલાસીઓનો હેમખેમ બચાવ

ગાંધીનગર- ગત બુધવારે અરબી સમુદ્રમાં ઉઠેલું લુબાન ચક્રાવાત ઓમાનના સલાલા બંદર પર ત્રાટકવાને પરિણામે આ પોર્ટ બંધ થવાનો સંદેશો મળતાં જ ત્યાં રહેલી ૮ થી ૧૦ મત્સ્ય બોટના ૧૩૦ ભારતીયો સહિત ગુજરાતી ક્રુ મેમ્બર્સ (ખલાસીઓ)ને સલામત સ્થળે ખસેડવા મુખ્યપ્રધાને ભારત સરકાર, ઇન્ડીયન નેવી અને ગુજરાત મેરિટાઇમ બોર્ડ સાથે પરામર્શ કર્યો હતો.

ભારત સરકારના ત્વરિત સહયોગથી તાજેતરમાં ઓમાનના સલાલા બંદરે લુબાન વાવાઝોડાથી ગુજરાતના બહુધા ક્રુ મેમ્બર્સને સહિસલામત સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં સફળતા મળી છે.

મોટા ભાગના ગુજરાતી ક્રુ મેમ્બર્સનો સંપર્ક સાધીને તેમને સલામત સ્થળે ખસેડવાની કામગીરી મેરીટાઇમ બોર્ડ મુંબઇ અને માંડવીના સ્થાનિક સંપર્કો દ્વારા હાથ ધરી હતી.

આમ છતાં કેટલાક ગુજરાતી ક્રુ મેમ્બર્સએ સલાલા બંદર છોડવાની અનિચ્છા દર્શાવતાં તેમના જીવ પર કોઇ જોખમ ન થાય કે જાનહાનિનો ભોગ બનવું ન પડે તે માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભારતીય નૌસેનાની દરમિયાનગીરીથી રોયલ નેવી ઓફ ઓમાનને આવા ક્રુ મેમ્બર્સને ફરજીયાત પણે સલામત સ્થળે ખસેડવા સુચવ્યું હતું.

આમ ગુજરાત સરકારના દીર્ઘદ્રષ્ટિકોણ તેમજ ભારત સરકારની સમયસરની દરમિયાનગીરી અને રોયલ નેવી ઓફ ઓમાનના સક્રિય સહયોગને પરિણામે ગુજરાતના મોટા ભાગના ક્રુ મેમ્બર્સના જીવ બચી ગયા છે અને લુબાન ચક્રાવતની અસરથી તેઓ હેમખેમ સલામત સ્થળે પહોચી શકયા છે. અન્ય ક્રુ મેમ્બર્સને પણ સલામત સ્થળે પહોચાડવામાં આવી રહ્યા છે.