ટેકાના ભાવે મગફળીની રેકોર્ડબ્રેક ખરીદીથી ખેડૂતોમાં ખુશીની લહેર

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ખેડૂત કલ્યાણ માટે થયેલા સક્રિય પ્રયાસો પરિણામરૂપ સાબિત થયા છે. રાજ્યમાં ટેકાના ભાવે મગફળી સહિતના ખરીફ પાકોની ખરીદીનો સિઝન સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે માહિતી આપી કે, ગુજરાતમાં મગફળીની અત્યાર સુધીની સર્વાધિક 12.23 લાખ મેટ્રિક ટન ખરીદી કરવામાં આવી છે.

આ ખરીદી માટે રાજ્યના 3.67 લાખથી વધુ ખેડૂતોને રૂ. 8,295 કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવ્યા છે. ખેડૂતોએ વેચાણ કર્યા બાદ માત્ર 7 દિવસની અંદર તેમના બેંક ખાતામાં નાણાં જમા થાય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે નવા પગલાં લેવાયા હતા. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની માર્ગદર્શિકા હેઠળ, એક ખેડૂત પાસેથી દિન-પ્રતિદિન 125 મણ મગફળી ખરીદવાની મર્યાદા વધારીને 200 મણ કરી દેવામાં આવી હતી. આ પગલાં કારણે ખેડૂતોએ ટેકાના ભાવનો વધુ લાભ ઉઠાવ્યો.

ઉલ્લેખનીય છે કે અગાઉના પાંચ વર્ષમાં મગફળીની કુલ 22.84 લાખ મેટ્રિક ટન ખરીદી કરવામાં આવી હતી. જ્યારે આ વર્ષમાં 12.23 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી નોંધાય છે. જે રાજ્ય સરકરા માટે ખાસ સિદ્ધિ ગણાય. રાજ્યમાં ખેડૂતોએ વાવેતર શરૂ કરતા પહેલા જ ટેકાના ભાવ જાહેર થવાને કારણે નિશ્ચિતતાથી વાવેતર કરી શક્યા હતા. કૃષિ મંત્રીએ જણાવ્યું કે, બજારભાવ કરતા ટેકાના ભાવ મણે રૂ. 250 જેટલો વધુ હોવાને કારણે ખેડૂતો માટે આ યોજના લાભદાયી સાબિત થઈ. રાજ્યના 3.74 લાખ નોંધાયેલા ખેડૂતોમાંથી 98%એ આ યોજનાનો લાભ લીધો છે. અત્યાર સુધીમાં 2.92 લાખથી વધુ ખેડૂતોને રૂ. 6,600 કરોડના ચુકવણાં થઇ ગયા છે, અને બાકીના ખેડૂતોના ચુકવણાં પણ ટૂંક સમયમાં થઈ જશે.