જામનગર- ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ એકાએક જામનગરની ઉડતી મુલાકાત લીધી હતી. જાડેજાના પત્ની રીવાબા પર જામનગરમાં એક પોલિસ કોન્સ્ટેબલે કરેલા હુમલાના સંદર્ભમાં આ મુલાકાત હોવાનું માનવામાં આવે છે.રવીન્દ્ર હાલ ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી આઈપીએલ ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે ત્યારે વચ્ચે સમય કાઢી પરિવારની પડખે આવીને પરિવાર સાથે મુલાકાત કરી હતી. જામનગરની મુલાકાત દરમિયાન તેણે જામનગરના એસ.પી. પ્રદીપ સેજુલની ખાનગીમાં મુલાકાત પણ લીધી હતી. સંભવતઃ એસપી સાથેની મુલાકાત વખતે રીવાબા પણ હાજર રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે સોમવારે રીવાબા પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરનાર પોલિસ કોન્સ્ટેબલ સંજય કરંગિયાની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે. રીવાબાએ કરેલી પોલિસ ફરિયાદ પ્રમાણે તેમને વાળ પકડીને માર મારવામાં આવ્યો હતો. તેમજ આરોપી પોલીસકર્મીએ અણછાજતી હરકતો પણ કરી હતી. આ સમયે રીવાબા સાથે તેમનાં માતા અને નાનકડી દીકરી પણ હતાં.
આમ બની હતી ઘટના
જામનગર પોલીસ હેડક્વાર્ટર, સરૂ સેકશન રોડ સેવાસદનની બાજુમાં સોમવારે સાંજના સમયે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ત્યાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલના બાઇક સાથે તેમની બીએમડબ્લ્યૂ કાર અથડાઇ હતી. જેના પગલે પોલીસ કોન્સ્ટેબલે રિવાબા ઉપર હુમલો કર્યો હતો. અકસ્માત બાદ કાર ઉભી રાખતા પોલીસકર્મીએ રીવાબાને ગાળો ભાંડી હતી. પોલીસકર્મીને ગાળો બોલવાની ના કહેતા તેણે પોલીસમાં નોકરી કરતો હોવાનું કહીને રીવાબા સાથે મારામારી કરી હતી. તેના વાળ ખેંચીને તેનું માથું કારના કાચ સાથે બે-ત્રણવાર અથડાવ્યું હતું. એટલું જ નહીં છાતી અને ગરદનના ભાગે હાથ નાખીને તેમને તેના તરફ ખેંચવાની ચેષ્ટા પણ કરી હતી. આ સમયે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને રીવાબાને છોડાવ્યાં હતાં.