આ ચોમાસે વિદ્યાર્થીઓ-વાલીઓની હેરાનગતિ ટાળશે એક નિર્ણય

અમદાવાદ– પાણી ભરાયેલાં હોય અને તે ઓળંગીને શાળાએ જવાનું હોય ત્યારે માતાપિતાનો જીવ અદ્ધર થઇ જાય તે સ્વાભાવિક છે. પરંતુ હવેથી આની ચિંતા શાળાના તંત્રએ પણ કરવી પડશે. સરકાર દ્વારા  શાળાઓ અને શિક્ષણાધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે કે ભારે વરસાદની સ્થિતિમાં ડીપ, નાળું, પુલ, અન્ડરપાસ વગેરે જેવા સ્થળ સાઇકલ પર ઓળંગીને આવતાં વિદ્યાર્થીઓની જુદી યાદી બનાવી અને તેમના માતાપિતાના નંબર પણ રાખે.

ફાઇલ તસવીર

પાણી ભરાતાં હોય તેવા વિસ્તારમાંથી શાળાએ આવતાં વિદ્યાર્થીઓની યાદી બનાવવા પાછળનો હેતુ એવો છે કે ઘેરથી સલામત નીકળેલ બાળક વરસાદી પાણીમાં કોઇ મુશ્કેલીમાં ન મૂકાય કે રસ્તામાં અટવાય નહીં. કોઇપણ અનિચ્છનીય બનાવ ટાળવા માટે શાળાઓ અગમચેતીરુપે વરસાદી પાણી ભરાવાની સ્થિતિમાં બાળક અને તેના વાલીને સૂચિત કરવાના રહેશે.

અત્યાર સુધી વરસાદી પાણી ભરાવાની સ્થિતિમાં સમગ્ર શાળામાં રજા રાખી દેવામાં આવતી હતી. જેમાં ખરેખર પાણીમાં ફસાઇ જવાના કારણે વિદ્યાર્થીઓ અટવાઇ જાય તેવા બેપાંચ વિદ્યાર્થીના લીધે બધાં વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય બગડતું હતું. આ સ્થિતિ અટકાવવા માટે પાણીમાં ફસાવાની શક્યતા હોય તેવા વિદ્યાર્થીને ઘેરથી નીકળતાં અટકાવીને તેની સુરક્ષા નિશ્તિત કરવા સાથે અન્ય વિદ્યાર્થીઓને પણ નુકસાન ન થાય તે માટે તંત્રએ આ પગલું લીધું છે. એવા વિદ્યાર્થીઓને જે તે દિવસે રજા મંજૂર કરીને બાદમાં તેનું શિક્ષણકાર્ય પૂર્ણ કરાવી લેવાની સૂચના પણ શાળાઓને આપવામાં આવી છે.