સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો પર થયેલા હુમલા મામલે હડતાળ, પછી સમેટાઈ ગઈ

અમદાવાદ- શહેરના અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં છાશવારે ને છાશવારે ડોક્ટરો તેમજ દર્દીનાં સગાંવહાલાંઓ વચ્ચે બોલાચાલી અને મારામારીના અનેક કિસ્સાઓ બનતા હોય છે, ત્યારે વધુ ત્રણ ડોક્ટરો પર મોડી રાતે દર્દીનાં સગાંવહાલાંઓએ હુમલો કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ડોક્ટરોએ આ મામલે હડતાળ પાડી હતી. જો કે પોલીસે તબીબોને કાર્યવાહીની ખાતરી આપતાં હડતાળ સમેટાઇ ગઇ છે. ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લવાયેલા દર્દીનું મોત થતાં ઉશ્કેરાયેલાં સગાંવહાલાંઓએ ત્રણ ડોકટરો પર હુમલો કર્યો હતો. આ ઘટનાના પગલે બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર બેસી ગયા હતા.

શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી એક કન્સ્ટ્રક્શનની સાઇટ પર કામ કરતા યુવકને ઇજા પહોંચતાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવકના બંને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેની ટ્રોમા સેન્ટરમાં સારવાર ચાલી રહી હતી અને તે સમયે યુવકનાં સગાંવહાલાંઓએ ડોક્ટરોને ઝડપી સારવાર કરવા માટે કહ્યું હતું. પરંતુ ડોક્ટરો જ્યારે યુવકની સારવાર કરતા હતા ત્યારે જ તેનું મોત થયું હતું.

યુવકનું મોત થતાંની સાથે તેનાં સગાંવહાલાંઓ ઉશ્કેરાયાં હતાં અને ડોક્ટરોને બીભત્સ ગાળો બોલવા લાગ્યાં હતાં. આ મામલો એ હદે બીચક્યો કે ચાર લોકોએ ત્રણ ડોક્ટરો સાથે મારામારી કરી હતી. આ ઘટનામાં બી.જે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અને રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ધ્રુમિલ મજમુદારે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં દર્દીનાં ચાર સગાંવહાલાં સામે ફરિયાદ કરી છે.

ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે ટ્રોમા સેન્ટરના રૂમ નંબર ૧૭માં ગઇ કાલે મોડી રાતે ચાર શખ્સોએ ત્રણ ડોક્ટરો પર હુમલો કર્યો છે. સારવાર માટે લવાયેલા યુવકને ડાબા પગે અને ડાબા હાથે ફ્રેક્ચર થઇ ગયું હતું અને તેની નસો કપાઇ ગઇ હતી. યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેમાં યુવકનાં સગાંવહાલાંએ ડો.નીરવ, ડો.સેતુજને બીભત્સ ગાળો બોલી હતી અને ડો.ધ્રુમીલને લાફો મારી દીધો હતો.

સિવિલ હોસ્પિટલમાં અવારનવાર ડોક્ટરો ઉપર દર્દીનાં સગાંવહાલાંઓ દ્વારા થતા હુમલાઓ વધી રહ્યા છે જેને રોકવા માટે હોસ્પિટલના સત્તાવાળાઓએ સિક્યોરિટી ગાર્ડ તેમજ પોલીસચોકી બનાવી છે. ર૪ કલાક સિક્યોરિટી ગાર્ડ અને પોલીસ કર્મચારીઓ પણ હાજર હોવા છતાં પણ ડોક્ટરો પર હુમલાના બનાવો બની રહ્યા છે. ડોક્ટરો પર થતા હુમલાની ઘટનાને રોકવા માટે આજે બી.જે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અને સિવિલ હોસ્પિટલના રે‌સિડેન્ટ ડોક્ટરો સવારથી હડતાળ પર ઊતર્યા હતા. પરંતુ આખરે પોલીસની સમજાવટ બાદ ડોક્ટરોએ હળતાળ સમેટી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]