અમદાવાદઃ લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે અને ઉમેદવારોએ ફોર્મ પણ ભરાવવા માંડ્યા છે. ત્યારે ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર આવ્યા છે. વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રંજનબહેન ભટ્ટે ચૂંટણીમાં નહીં ઝંપાવવાનું નક્કી કર્યું છે. તેમણે સોશિયલ મિડિયા અંગત કારણોસર લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.
આ સાથે જ્યારે સાબરકાંઠા બેઠક પરથી ભિખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. ભિખાજી ઠાકોરે અંગત કારણોસર ચૂંટણી લડવાની ના પાડી છે.
હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.
— Ranjan Bhatt (MP) (मोदी का परिवार) (@mpvadodara) March 23, 2024
સાબરકાંઠા બેઠક પર ભાજપે ભિખાજી ઠાકરોને ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ થોડા જ સમયમાં તેમની અટકને લઈને મતવિસ્તારમાં વિવાદ ઊભો થયો હતો. સોશિયલ મિડિયા પર ભીખાજી ઠાકોરની જગ્યાએ ડામોર અટક હોવાની વાતો ચર્ચા હતી. આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. સોશિયલ મિડિયા પર પત્રિકા વોર શરૂ થયું હતું. સાબરકાંઠામાં ભાજપ દ્વારા વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડની ટિકિટ કાપી દીધી હતી અને તેમના બદલે અરવલ્લીના મેઘરજ તાલુકાના ભિખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.
રંજનબહેન વિરુદ્ધ લાગ્યાં હતાં પોસ્ટરો
વડોદરામાં ભાજપના સાંસદ તથા ઉમેદવાર રંજન ભટ્ટનો વિરોધ થયો હતો. તેમના વિરુદ્ધ પોસ્ટરો પણ લાગ્યાં હતાં. બીજી તરફ સોશિયલ મિડિયા પર તેમના સપોર્ટમાં પણ કેમ્પેન શરૂ થયું હતું. મારી સામે ખોટા આક્ષેપો થયા છે. મારી સામે ઘણા લોકોએ વિરોધ પણ વ્યક્ત કર્યો છે. મને વડોદરાની જનતાનો ખૂબ જ પ્રેમ મળ્યો છે. મારા કામને લઈને જ ભાજપે મને ત્રીજી વખત ટિકિટ આપી હતી. જોકે છેલ્લા કેટલાક દિવસથી જે ચાલી રહ્યું છે તે જોતાં મેં મનથી જ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે.