અમદાવાદ: અત્રેના અદાણી વિદ્યામંદિર ખાતે આ વર્ષે રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી. સ્વસ્થ અને સુલામત સમાજ માટે સદૈવ તત્પર સુરક્ષાકર્મીઓની રક્ષા માટે વિદ્યામંદિરની બહેનોએ તેમને રાખડીથી સ્નેહબંધનમાં બાંધ્યા. વ્હાલી બહેનોએ ફાયર સ્ટેશન, અર્બન હેલ્થ સેન્ટર, ટ્રાફિક પોલીસ, ફ્ઝીકલ રીસર્ચ લેબોરેટરીના વૈજ્ઞાનિકો તેમજ કેન્સર હોસ્પિટલના દર્દીઓને રાખડી બાંધી તેમના દીર્ઘાયુની કામના કરી હતી.
પોતાના સગા ભાઈને તો દુનિયાભરની સૌ બહેનો રાખડી બાંધતી હોય છે, પરંતુ વિદ્યામંદિરની બહેનોએ સમાજની રક્ષા કરતા ભાઈઓને રાખડી બધી નવો સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. સમાજના વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા સુપરહીરો સમાન ભાઈઓના સ્વસ્થ અને દીર્ઘાયુ થવાની ઈશ્વરને પ્રાર્થના કરી, તો ભાઈઓએ પણ આફતની આકરી ઘડીમાં તેમની પડખે ઉભા રહેવાનું વચન આપ્યું.
વિદ્યાર્થીનીઓ દ્વારા ટ્રાફિક પોલીસકર્મીઓને કુમકુમનો તિલક કરી હાથે રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. તમામ પોલીસ જવાનો, ડોક્ટર્સ, દર્દીઓ તેમજ વૈજ્ઞાનકોને રાખડી બાંધ્યા બાદ ભાઈઓએ પણ વ્હાલસોયી બહેનોને અનોખી ભેટ આપી હતી. એટલું જ નહી, પોલીસે તેમને જરૂરી માહિતી આપી જાગૃત કર્યા હતા.
અલગ-અલગ ક્ષેત્રોમાં કામ કરતા આપણા દેશના શૂરવીર ભાઈઓ થકી જ આપણે શાંતિ અને સલામતીપૂર્વક જીવન જીવી શકીએ છીએ. રક્ષાસૂત્રની સાથે બહેનોએ તેમની સેવાને બિરદાવતા શુભેચ્છા પત્રિકા પણ અર્પણ કરી હતી. જો કે આ સ્નેહકાર્ય માટે વિદ્યાર્થિનીઓને બે દિવસ સુધી વિવિધ સ્થળોનો પ્રવાસ ખેડવો પડ્યો હતો.
વિદ્યાર્થિનીઓના ચહેરા પર રક્ષાબંધન પર્વની ઉજવણીનો ઉત્સાહ ઉડીને આંખે વળગી રહ્યો હતો. તો ભાઈઓ પણ ઉજવણીમાં ઉત્સાહભેર સામેલ થયા હતા અને હોંશે હોંશે રાખડી બંધાવી હતી.