રાજકોટનો ‘ધરોહર મેળો’ રદ, CMએ 100 ટકા રકમ પરત કરવાના કર્યા આદેશ

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં આખામાં મેઘરાજાનું તાંડવ થતું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં સાર્વત્રિક ભારે થી અતિભારે વરસાદ નોંધાય રહ્યો છે. ત્યારે રાજકોટમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદ નોંધાય રહ્યો છે. શનિવારની રાત્રિથી શરૂ થયેલ મેઘ કહેર આખરે મંગળવારે મેઘ કહેરમાં પરિવર્તિત થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે ભારે વરસાદને પગલે રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થતા આજીએ ફરી એક વખત રાજકોટવાસીઓને રાજી કરી દીધા છે. રાજકોટમાં ગત રાતના 12 વાગ્યાથી આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. 

શહેર તથા જિલ્લામાં ભારે વરસાદને પગલે અને આગામી દિવસોમાં ભારે થઈ અતિભારે વરસાદની આગાહીના પગલે ખુબ ચર્ચીત રાજકોટનો ધરોહર મેળો રદ કરવામાં આવ્યો છે. રાજકોટમાં વર્ષો બાદ એવું પ્રથમ વખત બન્યું હશે કે, વરસાદને કારણે મેળો રદ કરવો પડ્યો હોય.  લોકમેળાના આયોજન માટે મંડપ, ઇલેક્ટ્રિકલ વાયરિંગ તથા અન્ય ખર્ચાઓ મળીને કુલ મળીને આશરે રૂપિયા 2 કરોડ જેવો ખર્ચો થયો છે. જેની દરકાર કર્યા વિના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઉદાર નિર્ણય મુજબ, સ્ટોલધારકોએ ભરેલી ભાડાની 100 ટકા રકમ તથા ડિપોઝિટની 100 ટકા રકમ લોક હિતમાં પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકમેળામાં 31 મોટી રાઈડ્સ સહિત 235 જેટલાં સ્ટોલ અને પ્લોટ્સ આવેલા હતા. જો કે, વરસાદને કારણે વેપાર ન થતાં તમામ સ્ટોલધારકોને તેને ચૂકવેલી 100 ટકા રકમ પરત આપી દેવામા આવશે 

રાજકોટ શહેરમાં અતિભારે વરસાદને પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાવચેતીના વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત લોકોનું રેનબસેરા અને સ્કૂલો ખાતે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ગત મધરાત બાદથી શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી કુલ 1299 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ આ તમામ લોકો માટે ફૂડ પેકેટ્સ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ અસરગ્રસ્તોનું નજીકની શાળાઓ અને રેનબસેરામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.ભારે વરસાદ અને પવનને કારણે કુલ 61 વૃક્ષો ધરાશાયી થયા હતા. જેને ગાર્ડન શાખા દ્વારા દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી અને જુદા-જુદા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની કુલ 33 ફરિયાદોનો મહાનગરપાલિકા દ્વારા JCB સહિતના વાહનોની મદદથી નિકાલ કરવામાં આવ્યો છે. હાલમાં પણ આ કામગીરી યથાવત્ છે.