રાજકોટ– શહેર પોલીસે તાજેતરમાં ગાંજો, ચરસ અને બ્રાઉન સુગરનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. ત્યારબાદ ગત રાત્રે રાજકોટ એસઓજીની ટીમે 1 કિલો ગાંજા સાથે કુવાડવા રોડ પરથી ચોટીલા પંથકના એક શખ્સને ઝડપી પાડયો છે. ગાંજા સાથે પકડાયેલ જિલાભાઈ ચૌહાણીની પૂછપરછ કરતાં ચોટીલા નજીકથી ગાંજાના વાવેતર સાથેનું ખેતર મળી આવ્યું હતું. પોલીસે ખેતરમાં દરોડો પાડી અંદાજે 36 લાખની કિંમતનો 1200 કિલો ગાંજાનો જથ્થો ઝડપી લઇ તપાસ આગળ ધપાવી હતી.
ચોટીલાના ખેરડી ગામે ગાંજાનું વાવેતર મુનિબાપુ નામનો વ્યક્તિ કરતો હોવાની બહાર આવ્યું છે.નાર્કોટીકસનો કેસ હોવાથી રાતભર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ તપાસ દરમિયાન ગાંજાનું ખેતર મળી આવ્યું
ચોટીલા પંથકનો એક શખ્સ નવાગામ નજીક ગાંજાના જથ્થા સાથે આવવાનો છે તેવી એસઓજીના પીઆઇ એસ.એન.ગડ્ડુને હકીકત મળતાં એસઓજીનો સ્ટાફ નવાગામ નજીક વોચમાં ગોઠવાયો હતો. તે સમયે જિલાભાઈ ચૌહાણ ત્યાં પહોંચતા જ પોલીસે તેને અટકાવી તપાસ લેતા એ શખ્સ પાસેથી 1 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે એક કિલો ગાંજો જપ્ત કરી જથ્થા સાથે ઝડપાયેલા ચોટીલાના ચિરોડા ગામના જિલા લીંબા ચૌહાણ (ઉ.વ.50)ની ધરપકડ કરી હતી. ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે પોલીસે પૂછપરછ કરતાં જિલા ચૌહાણે શરૂઆતમાં તો ગલ્લાં તલ્લાં કર્યા હતા, પરંતુ પોલીસે આગવીઢબે પૂછપરછ કરતા જીલા ચૌહાણ ભાંગી પડ્યો હતો.
જિલા ચૌહાણે ગાંજાનો જથ્થો ચોટીલા નજીકના ખેરડી ગામના મુનીબાપુ પાસેથી મેળવ્યાની કેફિયત આપતા એસઓજીની ટીમ ખેરડી નજીક દોડી ગઇ હતી અને મુનીબાપુ જે ખેતરમાં રહેતા હતા ત્યાં દરોડો પાડતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અંદાજે એક એકર ખેતીની જમીનમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ગાંજાના વાવેતર અને લીલા છોડના આધારે અંદાજે રૂ.36 લાખની કિંમતનો 1200 કિલો ગાંજો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
એસીપી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, ચિરોડાનો જીલા ચૌહાણ ઝડપાયા બાદ તેની કબૂલાતના આધારે ગાંજાનું વાવેતર કરેલા ખેતરની વિગતો મળી હતી અને રાત્રીના 12 વાગ્યે પોલીસની એક ટુકડી ખેતરે પહોંચી હતી. વધુ ગાંજાનો જથ્થો ક્યાંય છુપાવ્યો છે કે કેમ, જીલા ચૌહાણ અને મુનીબાપુ ઉપરાંત અન્ય કોઇની સંડોવણી છે કે કેમ, ખેતરમાં વાવેલા જથ્થામાંથી અગાઉ રાજકોટમાં ક્યારેય કોઇને ડિલિવરી કરવામાં આવી હતી, જીલા ચૌહાણ કોને ગાંજો આપવા આવતો હતો સહિતના મુદ્દે તપાસ શરૂ કરવામાં આવશે.