રાજકોટમાં પ્રોપર્ટી શો શરુ, રાજ્યનો હેપીનેસ ઇન્ડેકસ વધારવાનું અમારું લક્ષ્યઃ સીએમ

રાજકોટઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ રાજકોટમાં પ્રોપર્ટી એક્સપોનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યપ્રધાને રાજકોટને એઈમ્સ આપવા બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. રુપાણીએ જણાવ્યું કે કેન્દ્રની અગાઉની કોંગ્રેસ સરકારે કયારેય ગુજરાતને એઇમ્સ આપવાનું વિચાર્યુ પણ નહોતું વિચાર્યું અને આ સરકારે ગુજરાતને રાજકોટ ખાતે એઇમ્સ આપી તે આરોગ્યલક્ષી અનુપમ ભેટ છે જેનાથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આરોગ્યલક્ષી સુવિધામાં અનેકગણો વધારો થશે અને આરોગ્ય સેવા વધારે ત્વરિત અને ઝડપી થશે.

તમામ નગરજનોએ તાળીઓનાં ગડગડાટ સાથે કેન્દ્ર અને રાજય સરકારને એઇમ્સ ફાળવવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતાં. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ સમારોહમાં પ્રેરક ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે આપણા તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન હતુ કે આપણુ ગુજરાત અન્ય કોઇ વિકસીત રાજય સાથે નહી પણ અન્ય વિકાસ પામેલા દેશ સાથે તંદુરસ્ત સ્પર્ધા કરે તેટલું સક્ષમ અને વિકસતી કરવાનું છે તેમનાં સ્વપ્નને સાકાર કરવા આપણે પ્રતિબદ્ધ થવાનું છે અને આપણે તે માટે સક્ષમ પણ છીએ અને તે માટે અમારી સરકાર ખૂબજ ઝડપી અને સચોટ નિર્ણય લઇ રહી છે. લોકો માટે અમારી સરકાર ખરા અર્થમાં નિર્ણાયક બની રહી છે જેની પ્રતિતી છેવાડાનાં અંતિમ માણસને પણ થઇ રહી છે.

મુખ્યપ્રધાને જણાવ્યું કે દરેક માનવીનું સ્વપ્ન અને અંતિમ લક્ષ્ય હોય છે કે પોતાનું ઘરનું ઘર હોય આ સ્વપ્નને સાકાર કરવા માટે કેન્દ્ર અને રાજય સરકાર ખૂબજ અસરકારક રીતે આગળ વધી રહી છે અને લોકોની સર્વાંગી સુવિધામાં વધારો કરી રાજયનો હેપીનેસ ઇન્ડેકસ વધારવાનું અમારું લક્ષ્ય છે અને તે સંદર્ભમાં આવા પ્રોપર્ટી એકસ્પો એન્ડ શોકેસ-૨૦૧૯ જેવા પ્રદર્શનો લોકોને માટે ખુબજ હેતુપૂર્ણ અને માહિતી સભર બની રહેતા હોય છે.

આવા માહિતી સભર લોકઉપયોગી કાર્યો માટે અદ્યતન કન્વેનશન સેન્ટર નિમાર્ણ કરવું હશે તેમને રાજય સરકાર જમીનની ફાળવણી કરશે તેવી જાહેરાત પણ રાજયનાં મુખ્યપ્રધાને ઉદઘાટન સમારોહમાં કરી હતી.

મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે રાજકોટ દૂનિયામાં વધારે ઝડપી વિકસીત થતા શહેરો પૈકી એક છે તેનો વધારે આયોજનબધ્ધ વિકાસ થાય તે માટે આવા પ્રોપર્ટી એકસ્પો ખુબજ ઉપયોગ બની રહેશે તેમજ ગુજરાતનાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર તેમજ દાહોદ સ્માર્ટ સીટી બનાવાના છે ત્યારે તેમની માળખાકિય સુવિધા માટે રાજય સરકાર તબક્કાવાર આયોજનબધ્ધ રીતે પગલા ભરી રહી છે.

રાજયનાં મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ આજરોજ રાજકોટ સ્થિત રેસકોર્સ મેદાન ખાતે CREDIA-RBA & III D- SAURASHTRA CHAPTER દ્વારા આયોજિત પ્રોપર્ટી એકસ્પો એન્ડ શોકેસ-૨૦૧૯ને રીબિન કાપીને ખુલ્લો મુકયો હતો ત્યાર બાદ મુખ્યપ્રધાને ઉપસ્થિત મહાનુભાવોએ આયોજિત પ્રદર્શનની મુલાકાત લઇને વિસ્તૃત માહિતી મેળવી હતી.

સમારોહમાં ઇન્સટીટયુટ ઓફ ઇન્ડિયન ઇન્ટીરીયર ડિઝાઇનર્સ સંસ્થાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રતાપ જાદવએ પ્રાસંગીક ઉદબોધનમાં રાજકોટ એક્ષ્પો લોકોના જીવનધોરણમાં ચોક્કસ બદલાવ લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમજ આ ટકે રાજ્ય સરકારના સહયોગ બદલ મુખ્યપ્રધાન રુપાણીનો આભાર માન્યો હતો.

આ તકે સ્વાગત પ્રવચનમાં CREDIA-RBAનાં પ્રમુખ પરેશભાઇ ગજેરાએ સવાગત ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે, રાજય સરકાર લોકોનાં પ્રશ્નોનું ખુબજ ઝડપી અને સરળીકરણ સાથે નિરાકરણ કરી રહી છે તે માટે રાજયનાં મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી અને સમગ્ર સરકાર અભિનંદનિય છે આ સરકાર તમામ લોકો માટે ખરા અર્થમાં નિર્ણાયક સરકાર બની રહી છે. સમારોહનાં અંતે આભારવિધિ III D- SAURASHTRA CHAPTERનાં પ્રમુખ આનંદ શાહે કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]