દેવેન્દ્રસિંહ રાઠોડના અંતિમ સંસ્કાર, પરિવાર હિબકે ચડ્યો

અમદાવાદઃ  લમણે ગોળી મારીને આપઘાત કરી લેનાર પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની આજે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. ઘાટલોડિયાથી દેવેન્દ્રસિંહની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. વાડજ સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પહેલા તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેઝ રૂમમાંથી ઘરે લાવવામાં આવ્યો હતો. પીએસઆઈના અંતિમ દર્શન માટે કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ પહોંચ્યા હતા. પીએસઆઈની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઘરેથી જે શબવાહિનીમાં તેમના મૃતદેહને સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યો હતો તેની આગળ એક બેનર લગાવવામાં આવ્યું હતું. આ બેનરમાં લખ્યું હતું કે, “PSI સ્વ. દેવેન્દ્રસિંહ રાઠોડને ન્યાય આપો, તેના હત્યારા અધિકારીને સજા કરો.” ત્યારે પરિવાર આખો હિબકે ચડ્યો હતો. અને વાડજ સ્મશાન ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

કરાઇના પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત કેસમાં પોલીસે ગુરુવારે કરાઇના ડીવાયએસપી એન.પી.પટેલ સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરતા પરિવારે મૃતદેહનો સ્વિકાર કર્યો હતો. પોલીસે ડીવાયએસપી સામે કલમ 377 અને 306 મુજબ ગુનો નોંધ્યો છે. પીએસઆઈના પરિવારે ઉગ્ર રજુઆત કરીને હિજરત કરી જવાની તૈયારી કર્યા બાદ પોલીસને ડીવાયએસપી સામે કેસ કરવાની ફરજ પડી છે.

મૃતક દેવેન્દ્રસિંહ રાઠોડના પરિવારે ગુરુવારે સુસાઇડ નોટ મેળવવા માટે સોલા પોલીસ મથકમાં આરટીઆઈ કરી છે. દેવેન્દ્રસિંહના પિતા સત્યેન્દ્રસિંહના જણાવ્યા પ્રમાણે પોલીસે તેમને જે ચીઠ્ઠી બતાવી હતી તેમાં ત્રણ પાના હતા. હકીકતમાં ઘરમાંથી કબજે લેવાયેલી સુસાઇડ નોટમાં પાંચ પાના હતા. આથી બાકીના બે પાનામાં કરાઇ એકેડેમીના ડીવાયએસપી એન.પી.પટેલના કારનામા લખ્યાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ માટે જ પોલીસ આ સુસાઇડ નોટને દબાવી રહી છે.

ચાંદલોડિયા વિસ્તારમાં રહેતાં PSI દેવેન્દ્ર સિંહ રાઠોડે 31 ડીસેમ્બરે આપઘાત કર્યો હતો અને સ્યુસાઈડ નોટમાં DYSP પટેલના નામનો ઉલ્લેખ કર્યો હતો તેને લઈને પરિવારજનોમાં ભારે આક્રોશ હતો. પરિવારજનોએ DYSP પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ ના લેવામાં આવતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી.

ત્યારે રાજ્યના DGP શિવાનંદ ઝાએ આ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ આજે ગુરુવારે PSI દેવેન્દ્ર સિંહના ઘરે જઈને પરિવારજનોને સમજાવતા અને ફરિયાદ નોંધવાની શરૂઆત કરતાં પરિવારજનો માની ગયા હતા અને મૃતદેહ સ્વીકારવા તૈયાર થયા હતા.

DGP એ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપતા મામલો થાળે પાડયો હતો. પીએસઆઈ રાઠોરના મોતને 4 દિવસ થયા પણ ડીવાયએસપી સામે પોલીસ ફરિયાદ દાખલ ન થતાં પરિવારજનોમાં ભારે રોષની લાગણી હતી અને ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી. પરિવારજનોએ તો ચીમકી પણ ઉચ્ચારી હતી કે ન્યાય નહિ મળે અને ફરિયાદ નહીં નોધાય તો તેઓ મૃતદેહ સ્વીકાર્યા વિના ગુજરાત છોડી તેમના વતન યુપી જતા રહેશે. માટે ક્રાઇમ બ્રાન્ચે ગંભીરતાથી આખી ઘટનાને લઈને તપાસ શરૂ કરી અને ક્રાઇમ બ્રાન્ચના ACP સહિતની ટીમ PSI દેવેન્દ્ર સિંહના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનોને સમજાવતાં મામલે થાળે પડ્યો. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે DYSP એન. પી. પટેલ સામે ગુનો નોધ્યો હતો.