સાયબર ગુનાખોરી ડામવા રાજકોટ પોલીસ સાયબર ક્રાઈમ વિભાગના GTU સાથે કરાર

અમદાવાદઃ સાયબર ગુનાખોરી ડામવા રાજકોટ પોલીસના સાયબર ક્રાઈમ વિભાગે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સાથે હાથ મિલાવ્યા છે અને તે બાબતના કરાર કરવામાં આવ્યાં હતાં.આ જાહેરાત ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 24મી ફેબ્રુઆરીએ રાજકોટમાં કરી હતી.
તેઓ રાજકોટમાં 150 ફુટ રિંગ રોડ ખાતેના સ્ટર્લિંગ હોસ્પિટલની બાજુના મેદાન ખાતે રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ શહેરી સત્તામંડળ, રાજકોટ પોલીસ અને દિનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અન્વયે જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠની ઉપસ્થિતિમાં આ કરાર કરવામાં આવ્યા હતા. કરાર પર જીટીયુના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર પ્રો.(ડૉ) એસ.ડી.પંચાલ અને રાજકોટના આસિ. પોલીસ કમિશનર જે.એસ. ગેદ્દામે હસ્તાક્ષર કર્યા હતા. આ કરારનો મૂળ હેતુ સાયબર સલામતી અને ફોરેન્સિક તપાસમાં પોલીસદળ જીટીયુના નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવવાનો છે. જીટીયુના નિષ્ણાતો સાયબર પોલીસ સેલને કૌશલ્યો વધારવા તાલીમ પૂરી પાડશે. તે ઉપરાંત વિવિધ પ્રકારના કૌભાંડો પકડવામાં તેમજ બાતમી મેળવવામાં મદદ કરશે. રાજકોટ જિલ્લામાં વેબદુનિયા પર કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હોય તે તેની જાણકારી મેળવી આપવામાં પણ જીટીયુના નિષ્ણાતોની સેવા લેવામાં આવશે.
જીટીયુ પોલીસદળ માટે સાયબર સલામતી અને ફોરેન્સિક તપાસ વિષયને લગતા ટૂંકા ગાળાના કોર્સ શરૂ કરશે. તે ઉપરાંત રાજકોટ જિલ્લામાં સોશિયલ મિડીયા પર ધમધમતી પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવામાં પણ જીટીયુ પોલીસદળને મદદ કરશે. ગુમ થયેલા બાળકો, વૉન્ટેડ ગુનેગારો વગેરે વિશે સોશિયલ મિડીયાની હલચલ પરથી જાણકારી મેળવીને તેને લગતા કેસો ઉકેલવામાં જીટીયુ મદદ કરશે. તેમાં આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ સહિતની લેટેસ્ટ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. જીટીયુના નિષ્ણાતો સાયબર સલામતી માટે રાજકોટ પોલીસને પોર્ટલ અને ખાસ એપ વિકસાવવામાં મદદ કરશે. બીજી બાજુ જીટીયુના વિદ્યાર્થીઓને રાજકોટ પોલીસદળના સાયબર પોલીસ મથકમાં ઈન્ટર્નશીપ કરવાની મંજૂરી આપશે અને તપાસની વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓના જ્ઞાનનો સદુપયોગ કરશે.
 જીટીયુનું ઈ-સુરક્ષા અભિયાન
સાયબર સલામતી વિષે શાળાઓમાં જાગૃતિ લાવવા જીટીયુ ઈ-સુરક્ષા અભિયાન ચલાવે છે. પોલીસ સાથેના સંયુક્ત મિશન અંતર્ગત પ્રથમ તબક્કામાં અમદાવાદ-ગાંધીનગરની 23 શાળાઓને આવરી લેવામાં આવી હતી અને પોલીસ તથા જીટીયુના નિષ્ણાતોએ કુલ 5711 વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને સાયબર સલામતી વિશે જાણકારી આપી હતી. જીટીયુના સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી તેમજ જીટીયુ સેન્ટર ફોર સાયબર  સિક્યુરિટીના ઉપક્રમે અમદાવાદ-ગાંધીનગરની શાળાઓમાં ઈ-સુરક્ષા અભિયાન યોજવામાં આવી રહ્યું છે. યુનિવર્સિટીની સામાજિક જવાબદારીના ભાગરૂપે ગુજરાત પોલીસના સહયોગથી આ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.