રાજકોટ મનપાનું ₹3118.28 કરોડનું બજેટ મંજૂર, જાણો મહત્વના મુદ્દા

રાજકોટ: મહાનગર પાલિકાનું વર્ષ 2025-26 માટેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી મેજૂર કર્યુ છે. ઉલ્લેખનીય છે કે 3118.28 કરોડનું રાજકોટ મહાનગર પાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કમિશનર તરફથી ડ્રાફ્ટ બજેટમાં કરદરમાં સૂચવાયેલો રૂ. 150 કરોડનો વધારો કમિટીએ ફગાવી દેવામાં આવ્યો છે. બજેટમાં 6 કરોડનો વધારો કરી કુલ નવી 20 યોજનાઓ ઉમેરવામાં પણ આવી છે. ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ મનપામાં કમિશનરે ફાયર ટેક્સનું સૂચન કર્યું હતું. પરંતુ, તે પણ સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી દીધો છે.

મકાનવેરા અને ફાયર ટેક્સેને કમિટીએ ફગાવ્યા 

રાજકોટ મનપા કમિશનર દ્વારા રજૂ કરાયેલ ડ્રાફ્ટ બજેટમાં આ વખતે જંગી વધારો ઝીકવામાં આવ્યો હતો. મકાનવેરામાં રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં 4 રૂપિયાનો વધારો કરી 11 ના બદલે 15 રૂપિયા કરવા સૂચન કરાયું હતું. જ્યારે બિન રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં 5 રૂપિયાનો વધારો કરી 25ના બદલે 30 રૂપિયા કરવા સૂચન કરાયું હતું. જે વધારો સ્ટેન્ડિંગ કમિટીએ રદ કરી જૂનો દર યથાવત રાખ્યો છે. રાજકોટમાં ફાયર ટેક્સ વસુલવાની શરૂઆત કરવા સૂચન કરાયું હતું. જેમાં રહેણાંક મિલ્કતો માટે પ્રતિ ચોરસ મીટર 15 રૂપિયા તથા બિન રહેણાંક માટે પ્રતિ ચોરસ મીટર 25 રૂપિયા વસૂલવા સૂચન કરાયું હતું. જે પણ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે.

રોડ-રસ્તાને બજેટ શું થઈ છે જોગવાઈ

રાજય સરકારના સહયોગથી રૂ.167.25 કરોડના ખર્ચે કાલાવડ રોડ, કટારિયા ચોકડી પર રાજકોટના પ્રથમ આધુનિક બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૫ – ૨૬માં વોર્ડ નં.૧ માં રૈયા રોડ પર સ્માર્ટ સિટીને જોડતા રસ્તા પર રૂ. ૧૫.૧૯ કરોડનાં ખર્ચે ફોર લેન બ્રિજની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. વર્ષ ૨૦૨૫-૨૬માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાગી વિકાસ માટે રસ્તાના મૂળભુત માળખાકિય કામો માટે સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન તથા ઇસ્ટ ઝોનના જુદા- જુદા વિસ્તારોમાં મેટલિંગ રસ્તા, કાર્પેટ, રીકાર્પેટ, ડિઝાઈન રસ્તા, સિમેન્ટ કોકીટ રસ્તા, માટે SJMMSVY માંથી બજેટ જોગવાઈ રાખવામાં આવેલ છે.

કોમ્યુનિટી હોલની મળશે સુવિધા

લોકોની સુખાકારી અને સારા માઠા પ્રસંગોએ કોમ્યુનિટી હોલ અને એ પણ આધુનિક સરકારી કોમ્યુનિટી હોલની ભરમાર એ હવે રાજકોટ મહાનગરપાલિકાનાં વિકાસ અને પ્રજાભોગ્ય વહીવટની ઓળખ બની રહી છે. જેનાં ભાગરૂપે પાછલા ટુંક સમયમાં જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. 1માં સંતોષી પાર્ક મેઇન રોડ પર કોમ્યુનિટી હોલનું કામ ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. તથા વોર્ડ નં. ૩માં રેલનગર વિસ્તારમાં નવા આધુનિક કોમ્યુનિટી હોલનું બાંધકામ ચાલુ છે તથા તથા વોર્ડ નં. ૧૭માં વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલને ડિસ્મેન્ટલ કરી નવા આધુનિક કોમ્યુનિટી હોલનું બાંધકામ ચાલુ છે.

સ્પોર્ટસને મળશે પ્રોત્સાહન

રાજકોટ શહેરનાં યુવાનોને રમત-ગમતની સુવિધાઓ ધ્યાને લઇ વેસ્ટ ઝોનમાં વોર્ડ નં. 12માં આંતરરાષ્ટ્રીય કક્ષાનું 12૦૦ લોકોની ક્ષમતાવાળા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે તથા સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં. 17માં પારડી રોડ પર પણ સ્પોર્ટસ સંકુલ બનાવવાનું આયોજન કરવામાં આવેલ. ટુંક સમયમાં વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી કામગીરી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર રાજકોટના શહેરીજનોને ઇન્ડોર ગેમ્સ માટે સુવિધા મળી રહે તે માટે શ્રી રામ બ્રિજ નીચે પાર્કિંગ એરિયામાં પીકલ બોલ, બોક્સ ક્રિકેટ તથા મલ્ટી ઇન્ડોર ગેમનું આયોજન કરવામાં આવેલ છે. હાલ આ કામ પ્રગતિમાં છે.

100 CNG 34 ઈલેક્ટિરક બસની મળશે ભેટ

જાહેર પરિવહન મજબૂત કરી પરિવહન સુવિધાને ધ્યાનમાં રાખી 100 નવી CNG બસ અને 34 ઇલેક્ટ્રિક બસ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. નવી 100 બસ માટે સ્માર્ટ સીટી એરિયામાં અટલ સરોવર ખાતે અંદાજીત રૂ.7.92 કરોડ ના ખર્ચે ઈ-બસ ચાર્જીંગ સ્ટેશન અને ડેપો બનાવવાનું આયોજન કરેલ છે. એટલું જ નહિ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે બસ સેવા શરૂ કરવામાં આવશે અને તેમાં AI સિસ્ટમ નો ઉપયોગ કરવા માટે વિચારણા ચાલી રહી છે જેમાં મુસાફર દ્વારા પોતાની ટિકિટ બોર્ડિંગ સ્કેન કરી એપીકેશનમાં અપલોડ કરવામાં આવશે તો નજીકમાં તેમને ચોક્કસ સમય આપી પીકપ માટે સેવા કાર્યરત કરવામાં આવી શકે છે.

સ્ટેન્ડિંગ કમિટીએ બજેટમાં નવી 20 યોજના ઉમેરી

  • રાહદારીઓ સહેલાઈથી રસ્તો ઓળંગી શકે તે માટે શહેરમાં આવેલા જાહેર સ્થળો પૈકી ત્રિકોણબાગ વિસ્તાર પાસે, કાલાવડ રોડ-આત્મીય યુનિવર્સિટી પાસે, ક્રિષ્ના પાર્ક હોટલ-ગોંડલ રોડ ચોકડી પાસે વિ. સ્થળોએ રસ્તા ઉપર ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે, જે માટે બજેટમાં રૂ.૧૦૦૬ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • રાજકોટ શહેરની હદ શરૂ થાય તે પ્રવેશમાર્ગો પર શહેરની આગવી ઓળખ સ્વરૂપે થીમ-બેઇઝડ મોડલ પ્રવેશદ્વારો બનાવી, બ્યુટીફીકેશન કરવામાં આવશે, જે માટે બજેટમાં રૂ.૫૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • શહેરના રાજમાર્ગ કાલાવડ રોડ પર અવધ રોડ પાસે આવેલ ટી.પી. પ્લોટમાં મોડર્ન એલિવેશન અને એસ્કેલેટર તેમજ રેસ્ટોરન્ટની સુવિધા સાથે ‘સ્કાય વોક’ તેમજ થીમ બેઇઝડ ઑક્સિજન પાર્ક બનાવવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૪૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • શહેરની વધતી જતી વસતિ અને વિસ્તારને ધ્યાને લઇ, શહેરમાં વધુ ત્રણ નવી શાક માર્કેટ બનાવવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૩૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • અદ્યતન સુવિધાઓ ધ્યાને લઇ, જ્યુબિલી શાકમાર્કેટ તથા કનકનગર શાક માર્કેટનું નવીનીકરણ કરવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૬૫૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર ભગવાન શ્રી રામનાથ મહાદેવ મંદિર પરિસરની સ્વચ્છતાની જાળવણી માટે ‘રામનાથ કોરીડોર ડેવલપમેન્ટ’ થકી મંદિર પરિસરનું બ્યુટીફીકેશન કરવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૨૫૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • શહેરના વોર્ડ નં.૪માં ભગવતીપરા વિસ્તારમાં નવી હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ચપળતા. શારીરિક સૌષ્ઠવની સાથોસાથ ખેલદિલી જેવા ગુણોનો વિકાસ થાય તે હેતુથી હાઇસ્કૂલના પરિસરમાં રમતગમતની સુવિધા ઊભી કરવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૧૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • વોર્ડમાં ડ્રેનેજનું કામ બાકી રહેલ હોય તેવા તમામ ટી.પી. રોડ પર ડ્રેનેજ લાઇન નાંખવાનું કામ પૂર્ણ કરી, મેટલીંગ કામ કરવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૧૭૧ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • ૮૦ ફૂટ રોડને નેશનલ હાઇવે સુધી ડેવલપ કરવામાં આવશે, જે માટે બજેટમાં રૂ.૧૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની એનિમલ હોસ્ટેલમાં રાખવામાં આવેલ માલઢોરના ચેકઅપ, રોગોના નિદાન, સારવાર તથા વેક્સીનેશન માટે એનિમલ હોસ્ટેલ ખાતે સૌપ્રથમ વખત સુવિધાસભર પશુ દવાખાનુ બનાવી, તેમા નિષ્ણાંત પશુ ચિકિત્સકની માનદ્ સેવાઓ હંગામી ધોરણે લેવામાં આવશે. આ સુવિધાને લીધે વધુ ને વધુ માલધારીઓ પોતાના માલઢોરને એનિમલ હોસ્ટેલમાં રાખવા માટે પ્રોત્સાહિત થશે. સાથોસાથ શહેરીજનો પણ પોતાના પાલતુ પ્રાણીઓની સારવાર માટે પશુ દવાખાનાનો લાભ લઈ શકશે. જે માટે બજેટમાં રૂ.૧૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • ‘કેન્સરને કરીએ કેન્સલ’ અંતર્ગત બે યોજના બનાવવામાં આવી છે. જેમાં પહેલી છે. વિદ્યાર્થિનીઓને સર્વાઈકલ કેન્સરની વિનામૂલ્યે વેકસીન આપવામાં આવશે. જેના માટે 15 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત બીજી છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત કોઠારિયા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે મેમોગ્રાફી ચેકઅપ માટે નવું મેમોગ્રાફી મશીન મુકવામાં આવશે. જેનાથી મહિલાઓ બ્રેસ્ટ કેન્સર જેવા રોગનું નિદાન – સારવાર લઇ શકશે. જે માટે બજેટમાં રૂ.૧૫ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં એડવાન્સ મિલકતવેરો ભરપાઈ કરનાર દિવ્યાંગો તથા એકસ આર્મીમેન મિલકતધારકોને પ્રોત્સાહિત કરવા માટે તેઓના નામે એક-એક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે. જેનાથી પર્યાવરણના જતનની સાથોસાથ શહેરીજનોમાં દિવ્યાંગજનો પ્રત્યે સંવેદનશીલતા તેમજ આર્મીમેન પ્રત્યેના આદરમાં વધારો થશે. જે માટે બજેટમાં રૂ.૧૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ જાળવણીને પ્રોત્સાહન મળે તે માટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન રાજકોટ શહેરમાં જન્મનાર પ્રત્યેક બાળકો/બાળકીઓના નામે એક-એક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૬૨૫ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.
  • શહેરના વોર્ડ નં.૧૨માં ટી.પી.૨૧/પ્લોટ નં.૩૯/એ થી બાપા સીતારામ ચોક પાસે રામેશ્વર પાર્ક વિસ્તારમાં સી.સી. રોડ પર બગીચા હેતુના અનામત પ્લોટમાં વૃક્ષો, ફૂલછોડ, લોન, વોકિંગ ટ્રેક સહિતની સુવિધા સાથે નવા બગીચાનું નિર્માણ કરવામાં આવશે. જેનાથી આ વિસ્તારના શહેરીજનોની સુવિધામાં વધારો થશે. જે માટે બજેટમાં રૂ.૪૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • શહેરની આગવી ઓળખ સમાન રેસકોર્ષ રિંગ રોડની રોનક વધારવા, કાયમી સુશોભન માટે LED ડેકોરેટિવ લાઇટીંગ કરવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૧૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.
  • રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના રેસકોર્સ સંકુલમાં લોક વિજ્ઞાન કેન્દ્ર, પ્લેનેટેરિયમ તથા કોમ્યુટર સેન્ટરની સુવિધા ઉપલબ્ધ છે. જેનું નિર્માણ વર્ષ ૧૯૯૩માં કરવામાં આવેલ. વર્તમાન સમયની જરૂરિયાતને ધ્યાને લઈ, લોક વિજ્ઞાન કેન્દ્રના ઓડિટોરિયમનું નવીનીકરણ કરી, તેને અદ્યતન કરવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૧૫૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • શહેરીજનોની સુવિધા માટે આ શાકમાર્કેટમાં નવી ફ્રૂટ માર્કેટ તથા નવા હોકર્સ ઝોનની ભેટ આપવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૩૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • શહેરના વોર્ડ નં.૦૩ માધાપર વિસ્તારમાં આવેલ આરોગ્ય કેન્દ્રમાં દર માસે સેંકડો દર્દીઓ રોગ નિદાન – સારવારનો લાભ લે છે. જે ધ્યાને લઈ, આ આરોગ્ય કેન્દ્રનું આધુનિકરણ કરી, અદ્યતન સુવિધા તથા અદ્યતન સાધનો ફાળવવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૨૫૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.
  • શહેરીજનો પોતાના કૌટુંબિક પ્રસંગો વ્યાજબી ખર્ચે, ઉલ્લાસભેર માણી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ-વિસ્તારોમાં અદ્યતન સુવિધાયુક્ત કોમ્યુનિટી હોલ ઉપલબ્ધ કરેલ છે. જે સુવિધાના ભાગરૂપે શહેરના વોર્ડ નં.૧૪ માં બોલબાલા રોડ, ગાયત્રીનગર પાસે અદ્યતન સુવિધાયુક્ત નવા કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવશે. જે માટે બજેટમાં રૂ.૪૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ આશરે ૧૦૦ વર્ષ જેટલા જૂના એક રોડને ‘હેરીટેજ સિટી બ્યુટીફીકેશન હેઠળ ડેવલપ કરી, તેનું બ્યુટીફીકેશન(ફૂટપાથ, ઇલેક્ટ્રિક પોલ, પેવીંગ બ્લોક વિ.) કરવામાં આવશે. જે માટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં DROO લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.