રાજ્યના 47 તાલુકામાં નોંધાયો વરસાદ..

રાજ્યમાં મેઘરાજા જમાવટ લીધી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ વિસ્તારમાં સહિત કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે હાલ સુધીમાં રાજ્યમાં સિઝનનો એવરેજ 25.46 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ 35.44 ટકા વરસાદ, કચ્છમાં કુલ 34.87 ટકા, દક્ષિણ ગુજરાતમાં 27.25 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર 17.78 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 16.39 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 47 તાલુકામાં નોંધ પાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ બોટાદમાં 47 MM, દસાડામાં 40 MM, ટંકારામાં 29 MM, બોડેલીમાં 18 MM, લીલીયા અને પાટણ-વેરાવળમાં 15 MM,તેમજ ભાણવડ અને માળિયા હાટીનામાં 14-14 MM સહિત રાજ્યના અન્ય તાલુકામાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ 11,12 અને 13 જુલાઇએ દક્ષિણ ગુજરાતના અને દમણમાં છૂટાછવાયા સ્થળો વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 13મી જુલાઇએ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર,  અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતી સર્જાય છે. ઓઝત નદીનું પાણી વધતા ગામના ખેતરમાં પાણી ઘુસી ગયા હતા.  હજુ થોડા દિવસ પહેલા ઘેડ પંથકમાં પ્રસરેલા પાણી ધીમે-ધીમે ઓસરી રહ્યા હતા એવામાં ફરી પાણી ઘૂસી જતા સ્થાનિકો તથા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.