ગુજરાતમાં ગત ઓગસ્ટ મહિનાના અંતમાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. રાજ્યના કેટલાક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી હતી, આ ઉપરાંત જનજીવન પણ અસ્થવ્યસ્ત થયું હતું. આ પૈકી 33 માંથી 12 જિલ્લામાં એક જ દિવસમાં એટલો વરસાદ પડ્યો કે સરેરાશ 10 વર્ષમાં આવું એક જ વાર બનતું હોય છે. આ ઉપરાંત મોરબીમાં 50 વર્ષ, દ્વારકામાં 100 વર્ષમાં ન પડ્યો હોય તેવો વરસાદ આ સમયગાળામાં નોંધાયો હતો તેમ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ગાંધીનગર દ્વારા કરાયેલા અભ્યાસમાં સામે આવ્યું છે.
થોડા દિવસો પહેલા રાજ્યમાં આકાશી આફત વરસી હતી. જેના પર આઈ આઈ ટી ગાંધીનગર ખાતે મશીન ઈન્ટેલિજન્સ એન્ડ રીસાયલન્સ લેબોરેટરી અભ્યાસ હાથ ધરાયો હતો. જેના અનુસાર 17 જિલ્લામાં બે દિવસમાં કુલ એટલો વરસાદ પડ્યો જેટલો છેલ્લા 10 વર્ષમાં પણ નહોતો. આ પૈકી જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકામાં 50 વર્ષમાં પણ ના પડ્યો હોય તેવો વરસાદ બે દિવસના સમયગાળામાં પડ્યો હતો. આ જ રીતે 15 જિલ્લામાં 3 દિવસમાં પડેલો વરસાદ છેલ્લા 10 વર્ષ કરતાં વધુ છે. બીજી તરફ જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં 3 દિવસના આ સમયગાળામાં 50 વર્ષમાં પણ ના પડ્યો હોય તેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત વડોદરામાં આ સમયગાળામાં જેવી સમસ્યા સૌથી વધુ સર્જાઈ હતી. ત્યાં 3 દિવસમાં જેટલો વરસાદ પડ્યો તેટલો 10 વર્ષથી ઓછા સમયગાળામાં ભાગ્યે જ પડતો હોય છે. સંભવિત પૂરની સ્થિતિનો સામનો કરવા શહેરોએ ડ્રેનેજ સિસ્ટમ સુધારવાથી માંડીને આડેધડ શહેરીકરણ રોકવા જેવા વિવિધ પગલા લેવા પડશે.