રેલવેની ઝૂંબેશ: મહિનામાં 1.92 લાખ કેસમાં 8.02 કરોડની વસૂલી અને આટલાં ગયાં જેલમાં…

અમદાવાદ- ભારતીય પ્રવાસીઓમાં ઓલટાઈમ ફેવરિટ રેલવેને કેટલાક મામલે કડક કાર્યવાહી હાથ ધરવી પડતી હોય છે.  પશ્ચિમ રેલવે દ્વારા ટિકિટ વગર પ્રવાસ કરનારા પ્રવાસીઓ વિરુદ્ધ ઓગસ્ટમાં એ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેના પરિપાકરુપે 1.92 લાખ કેસોમાં રૂ.8.02 કરોડની આવક દંડ પેટે મેળવાઈ હતી.

આ ઝૂંબેશમાં બૂક કર્યા વગરના સામાનના કેસો સહિત ટિકિટ વગર પ્રવાસ/ગેરકાયદે પ્રવાસના લગભગ 1.92 લાખ કેસો ઝડપાયા. આ કેસોમાં રૂ.8.02 કરોડ દંડ સ્વરૂપે વસૂલાયા હતાં. આ રકમ અગાઉના વર્ષે આ અવધિ દરમિયાન વસૂલવામાં આવેલી દંડ કરતાં 18.65 ટકા વધુ છે. આ ઉપરાંત 234 ભીખારીઓ તથા 616 અનઅધિકૃત ફેરિયાઓને રેલ પરિસરમાંથી દંડ  વસૂલ કરીને બહાર કરવામાં આવ્યા તથા 176 વ્યક્તિઓને જેલમાં મોકલવામાં આવ્યા.

ફાઇલ ચિત્ર

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ઓગસ્ટ દરમિયાન, દલાલો તથા અસામાજિક તત્વો વિરુદ્ધ પશ્ચિમ રેલવેના વાણિજ્ય વિભાગ દ્વારા 220 તપાસ યોજેલ હતી. જેના પરિણામસ્વરૂપે 195 વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યાં તથા રેલ અધિનિયમની વિવિધ ધારાઓ દ્વારા કેસ ચલાવીને તેમની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો. ઓગસ્ટ, 2018 દરમિયાન સુરક્ષા ટીમ દ્વારા 12 વર્ષથી વધુ ઉંમરના 44 સ્કૂલ બાળકો ઉપનગરીય ટ્રેનોના મહિલાઓ ડબ્બાઓમાં મુસાફરી કરતાં જોવા મળ્યા જેમને ત્યાંથી ખસેડવામાં આવ્યા.

પશ્ચિમ રેલવે દ્વારા ટિકિટ વગર મુસાફરી કરનારાઓ સામે નિયમિતરીતે  આવા સઘન પગલાં લેવા સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોતાના અધિકૃત રેલ ઉપભોક્તાઓને વધુ સારી  સુવિધા ઉપલબ્ધ કરાવવા તથા ટિકિટ વગર મુસાફરી કરનારાઓની સંખ્યા ઘટાડવા માટેના ઉદ્દેશથી પશ્ચિમ રેલવે દ્વારા હંમેશા અસરકારક પગલાં લેવામાં આવે છે.પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ટિકિટ વગર પ્રવાસ કરવાને કારણે થનાર મહેસૂલનું નુકસાન તથા આ પ્રકારની અન્ય ગેરકાયદે પ્રવૃત્તિ પર કડક નજર રાખવામાં આવે છે. પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓને અપીલ કરવામાં આવે છે કે યોગ્ય ટિકિટ ખરીદીને સન્માન સાથે મુસાફરી કરવી.