ગાંધીનગર- સરકારે ટેકાના ભાવે બાજરી, ડાંગર અને મકાઈની ખરીદીની શરુઆત કરી છે. સાથે જ ગયા વર્ષ કરતાં ભાવમાં થોડો વધારો કરવામાં આવ્યો છે.
બજાર કરતાં ઊંચા ટેકાના ભાવે ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદીનો સરકાર દ્વારા તા. ૧૭ ઓક્ટોબરથી શૂભારંભ કરાયો છે. ગત વર્ષ કરતા આ ટેકાના ભાવોમાં જુદા જુદા પાકોમાં રૂ. ૧૮૦થી લઇને રૂ. ૫૨૫ સુધીનો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
રાજ્યના પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયા પ્રમાણે આ વર્ષે રાજ્યભરના ૧૪૨થી વધુ એપીએમસી કેન્દ્રો પરથી ૧૭ ઓક્ટોબર અને ૧૯ ઓક્ટોબર એમ બે દિવસ દરમિયાન ડાંગર ગ્રેડ – એ અને ડાંગર કોમન ઉપરાંત બાજરી તથા મકાઇની કુલ મળીને ૭૫૪.૭૩ ક્વિન્ટલની ખરીદી કરવામાં આવી છે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદાયેલા આ અનાજની સામે રૂ. ૧૦.૩૫ લાખની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી છે. આ ખરીદીમાં ૫૯૮ કિવન્ટલથી વધુ ડાંગર, ૯૮ ક્વિન્ટલ મકાઇ અને ૫૮.૮૮ ક્વિન્ટલ બાજરીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. આજે નવા ૩૫૩ ખેડૂતોની નોંધણી પણ કરવામાં આવી છે.
સરકારે ડાંગર ગ્રેડ-એ ના ગત વર્ષના ટેકાના ભાવ પ્રતિ કિવન્ટલના રૂ. ૧૫૯૦ હતા તેમાં રૂ. ૧૮૦નો વધારો કરી ચાલુ વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૧૭૭૦ કર્યા છે. ડાંગર કોમન ના ગત વર્ષના ટેકાના ભાવ પ્રતિ કિવન્ટલના રૂ. ૧૫૫૦માં રૂ. ૨૦૦નો વધારો કરી ચાલુ વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૧૭૫૦ કર્યા છે અને બાજરીમાં ગત વર્ષના ટેકાના ભાવ પ્રતિ કિવન્ટલના રૂ. ૧૪૨૫માં રૂ. ૫૨૫નો વધારો કરીને ચાલુ વર્ષમાં રૂ. ૧૯૫૦ કર્યા છે. જ્યારે મકાઇના ગત વર્ષનો ભાવ રૂ. ૧૪૨૫ હતો જેમાં રૂ. ૨૭૫નો વધારો કરીને આ વર્ષે રૂ. ૧૭૦૦ કરાયો છે.
અમદાવાદ જિલ્લામા ૪૦૨.૬ ક્વિન્ટલ, આણંદમાં ૧૬૨.૮ ક્વિન્ટલ, દાહોદમાં ૧૦૭.૩૫ ક્વિન્ટલ, બનાસકાંઠામાં ૫૮.૮૮ ક્વિન્ટલ તેમજ ખેડા જિલ્લામાં ૨૩.૧ મળી કુલ ૭૫૪.૭૩ ક્વિન્ટલ અનાજની ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવી છે.