અમદાવાદની 3 ડ્રાફ્ટ ટી.પી. સ્કીમને મંજૂરી, સૂરત અને જૂનાગઢ માટે પણ નિર્ણય..

ગાંધીનગર–  મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ રાજ્યના મહાનગરોના આયોજનબદ્ધ ઝડપી વિકાસની પ્રતિબદ્ધતા સાથે અમદાવાદની 3 ડ્રાફ્ટ ટી.પી. સ્કીમને મંજૂરી આપી છે. આ ઉપરાંત સૂરત મહાનગરની એક ડ્રાફ્ટ ટી.પી. સ્કીમના પ્રથમ વેરીડને પણ મંજૂર કરી છે.

અમદાવાદમાં જે 3 ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ મંજૂર કરી છે તેમાં ટી.પી. 431- અસલાલી-નાઝ, ટી.પી. 456 – વટવા અને 417-અ ગેરતનગર-બીબીપુરનો સમાવેશ થાય છે.તેમણે સૂરતની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ 14-પાલની પ્રથમ વેરીડને પણ મંજૂર કરી છે.આ મંજૂરીને પરિણામે સંબંધિત વિસ્તારોમાં આંતરમાળખાકીય સુવિધાઓ અને રસ્તાઓના કામોનું અમલીકરણ થવાથી નાગરિક સુખાકારીમાં વૃદ્ધિ થશે.

આ ઉપરાંત જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળના ડેવલપમેન્ટ પ્લાનને પણ મંજૂરી આપી છે. આ પ્લાનની પરવાનગી મળતાં હવે જૂનાગઢ મહાનગરના આયોજનબદ્ધ વિકાસને વેગ મળશે.