રાજકોટ મહાનગરપાલિકા ફરિ એક વખત ચર્ચામાં આવી છે. શહેરના સફાઈ કામદારો અને મહાનગર પાલિકા સામે-સામે મેદાને ઉતર્યા છે. જેમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા સફાઈ કર્મચારીઓ દ્વારા મ્યુનિ. કમિશનર ચેમ્બર બહારની લોબીમાં બેસી રામધૂન બોલાવવામાં આવી હતી. તેમજ ‘જય ભીમ… જય ભીમ’ અને ‘હમારી માગે પૂરી કરો’ સહિતના નારાઓ લગાવીને ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તકે સફાઈ કર્મચારીઓની કાયમી ભરતી કરવા તેમજ અશક્ત હોય તેના સ્વૈચ્છિક રાજીનામાં મંજૂર કરવા સહિતની માગ કરવામાં આવી હતી. બાદમાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયરની ચેમ્બર બહાર સફાઈ કામદારોએ હોબાળો કર્યો હતો. વિરોધ પ્રદર્શનને જોતા શહેરમાં સફાઈ કામદારો સફાઈ બંધ કરે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ અગાઉ રાજકોટમાં છેલ્લા 27 વર્ષથી સફાઈ કામદારોની કાયમી ભરતી કરવામાં આવી નથી. આ ઉપરાંત વર્ષોથી અશક્ત બનેલા સફાઈ કામદારનાં રાજીનામાં મંજૂર કરી તેના વારસદારોને નોકરી અપાય છે. જો કે, આ પ્રથા પણ લાંબા સમયથી બંધ જેવી છે. સફાઈ કામદારોનાં સ્વૈચ્છિક રાજીનામા વિવિધ બહાને મંજૂર કરવામાં આવતા નથી. તેમજ 300 જેટલા સફાઈ કામદારોને રહેમરાહે નોકરીમાં લેવામાં આવ્યા નથી. જેને લઈને તેમના પરિવારો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અધિકારીઓ-પદાધિકારીઓની મિલીભગતનાં કારણે અમારા સફાઈ કામદારોને નોકરી મળતી નથી. આ કારણે આજે ઉગ્ર રજુઆત કરવામાં આવી છે. આગામી સમયમાં તમામ વોર્ડની સફાઈ બંધ કરીને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.
સમજાવના સૂર પણ વાગ્યા!
મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ મનપા કચેરી ખાતે એકત્ર થયા હતા. તેમજ કોપોરેશન કચેરીનાં પ્રાંગણમાં અને મ્યુનિ. કમિશનર ચેમ્બર આસપાસ મહિલા અને પુરૂષ સફાઈ કામદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. જેને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ અને મ્યુનિ. કમિશનર સહિત અધિકારીઓ દ્વારા આગેવાનો સાથે બેઠક યોજી સમજાવટનાં પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.