વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બનશે મહેમાન, જાણો કયા કાર્યક્રમમાં આપશે હાજરી

ભારત-પાકિસ્તાન યુદ્ધ અને ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26-27 મે દરમિયાન બે દિવસ ગુજરાતના મહેમાન બનશે. 26 મેની રાત્રે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર જશે અને ત્યાં રાત્રી રોકાણ કરશે.

27 મેના રોજ વડાપ્રધાન કચ્છ, દાહોદ અને ગાંધીનગરમાં ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપશે. કચ્છના ભુજમાં મીરજાપર રોડ પર જાહેર સભા અને માતાના મઢ આશાપુરા મંદિરના દર્શનનો કાર્યક્રમ નિશ્ચિત છે. આ મુલાકાતને લઈને સ્થાનિક તંત્ર એક્શનમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે CM નિવાસસ્થાને બેઠક યોજી, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સંગઠન મહામંત્રી રત્નાકર અને અન્ય અધિકારીઓએ આયોજનને આખરી ઓપ આપ્યો.

આ મુલાકાત પહેલાં ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાત મુલાકાતે આવી ગયા. તેમણે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમૂર્હુત કર્યું અને સાણંદમાં તિરંગા યાત્રામાં ભાગ લઈ ભારતીય જવાનોના શૌર્યને બિરદાવ્યું. ઓપરેશન સિંદૂર, જે 7 મે, 2025ના રોજ પહલગામ આતંકી હુમલાના જવાબમાં શરૂ થયું, તેની સફળતા બાદ ગુજરાતમાં ઉત્સાહ છે. વડાપ્રધાનની આ મુલાકાત રાજ્યના વિકાસ અને રાષ્ટ્રીય ગૌરવને વેગ આપશે.