ગુજરાતમાં તિરંગાયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ..

વિપક્ષ દ્વારા એક બાજું દુર્ઘટનાઓના પીડિતો માટે ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે. આવતી કાલે મોરબીથી કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. તો બીજી તરફ સરકાર દ્વારા શનિવારથી રાજ્યભરમાં તિરંગાયાત્રા શરૂ કરવામાં આવશે, તો સરકારની તિરંગાયાત્રાની શરૂઆત સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટથી કરવામાં આવશે. આ તિરંગાયાત્રામાં કેન્દ્રીય આરોગ્યમંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ જે. પી. નડ્ડા પણ ઉપસ્થિત રહેશે. રેસકોર્સના બહુમાળી ભવન ચોકથી આ યાત્રા શરૂ કરી જ્યુબેલી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાં સુધી દોઢ કિલોમીટરની આ યાત્રાનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. આ માટે તંત્ર દ્વારા તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.

આગામી 15 ઓગસ્ટ, એટલે કે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની શરૂઆત રાજ્યમાં સૌપ્રથમ રાજકોટથી કરવામાં આવશે. આ યાત્રાનું પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના રાજ્યસભાના સાંસદ જે. પી. નડ્ડાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ યાત્રાનો રૂટ રેસકોર્સ બહુમાળી ભવન ચોક ખાતેથી શરૂ કરી ગાંધીજીની પ્રતિમા જયુબેલી ગાર્ડન સુધી દોઢ કિલોમીટરનો રહેશે. આ યાત્રાના આખા રૂટ પર દર 150 ફૂટના અંતરે સ્ટેજ તૈયાર કરી દેશભક્તિનાં ગીતો તેમજ ડાન્સ સહિતનાં પર્ફોર્મન્સ કરવામાં આવશે.

તિરંગાયાત્રા શરૂ થતાં શનિવારથી સમગ્ર રાજકોટ શહેર દેશભક્તિના રંગમાં રંગાઈ જશે તેમજ હર ઘર તિરંગા પ્રોજેક્ટને પ્રોત્સાહન આપી લોકોને તિરંગા વિતરણ મનપા દ્વારા કરવામાં આવશે. શનિવારે તિરંગાયાત્રામાં આવનારા લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવશે. આ સાથે જ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી રાજ્યમાં તિરંગા અભિયાન એટલે કે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાવી છે. હવે રાજ્યનાં ચાર મોટાં શહેરમાં આ તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

રાજ્યનાં મુખ્ય 4 મહાનગરમાં મોટેપાયે તિરંગાયાત્રા યોજાશે. 10 તારીખે રાજકોટ, 11 તારીખે સુરત, 12 તારીખે વડોદરા અને 13 તારીખે અમદાવાદમાં તિરંગાયાત્રા યોજાશે. રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા હાજર રહેશે. સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ જોડાશે. અમદાવાદ અને સુરત ખાતે તમામ ફોર્સની ટુકડી ખાસ પરેડ યોજશે. પરેડ સાથે ગુજરાતની સાંસ્કૃતિક પ્રવૃત્તિ થશે, અલગ-અલગ ટેબ્લો અને બેન્ડ પણ જોડાશે.