ગાંધીનગરઃ ગાંધીનગરમાં બીનસચિવાલય પરીક્ષાના મુદ્દે વ્યાપેલા આક્રોશ બાદ ગુજરાત સરકાર પોતાનો બચાવ કરવા મેદાનમાં ઉતરી હતી. વિદ્યાર્થીઓ તથા સોશિયલ મીડિયા પર ઘેરાયેલી રૂપાણી સરકારનો ભારે વિરોધ થયો હતો.
ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે કેવા એક્શન લેવાયા છે તેની માહિતી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, પેપર એક પણ સ્થળ પરથી લીક થયું નથી. જે 39 ફરિયાદો મળી છે, તેના સંદર્ભમાં સંબંધિત લોકોને આવતીકાલથી મંડળમાં બોલાવીને જવાબ લેવાની કાર્યવાહી શરૂ કરાશે. જે ઉમેદવારોએ પરીક્ષામાં ચોરી કરી છે તેમની સામે એક્શન લેવામાં આવશે. તેમજ સંડોવાયેલા જવાબદાર અધિકારીઓના જવાબ લેવામાં આવશે. સમગ્ર પ્રક્રિયામાં કોઈને પણ છોડવામાં નહિ આવે.
ગાંધીનગરમાં હવે બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષાનો મુદ્દો ગરમાયો છે. ચોરીના કિસ્સા સામે આવ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્સલ કરવાના આક્રમક મૂડમાં છે. ત્યારે સરકારે સામે આવીને કહ્યું છે કે, તમામ પાસાંની ચકાસણી થઈ રહી છે તેથી વાર લાગી રહી છે. પેપર ફૂટયાની વાત સાવ ખોટી છે. ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, અમારી પાસે લેખિત ફરિયાદ આવી છે. 26 જેટલા વોટ્સએપ ચેટિંગની મંડળ સામે રજૂઆત કરાઈ છે.
કોંગ્રેસ દ્વારા પણ એક પરીક્ષાર્થી મોબાઈલમાં ઉત્તર લખી રહ્યો છે તેવા ફૂટેજ રજૂ કરવામાં આવ્યા. 5 જિલ્લામાંથી 39 ફરિયાદો મળી છે. ત્યારે 305 બ્લોકના સીસીટીવી ચકાવસાની પ્રક્રિયા અંતિમ પ્રક્રિયાએ છે. મોટી સંખ્યામાં ટીમ બેસાડીને જે મોબાઈલથી ચોરી કરતા હતા તેની તપાસ ચાલી રહી છે. હાલ તપાસ અંતિમ તબક્કામાં છે.
બે દિવસમાં એક્શન લઈને તેઓને રજૂ કરવામાં આવશે. તેની ચીવટ એટલા માટે આવશ્યક છે કે સાચો માણસ રહી ન જાય તેની તપાસણી મંડળ કરી રહ્યું છે. સીસીટીવીના આધારે બાકીના લોકો પર એક્શન લેવાશે. જે પરીક્ષાર્થીઓએ ચોરી કરી છે તે સંદર્ભમાં તે સંચાલકો અને સુપરવાઈઝર અને ખંડ નિરીક્ષકને બોલાવીને ચોરી કેમ થઈ છે તેની સુનવણી આવતીકાલથી મંડળ દ્વારા કરાશે.
તો કોંગ્રેસ દ્વારા મુખ્યપ્રધાનને પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે, તાજેતરમાં બિનસચિવાલય ક્લાર્ક ભરતીમાં મોટા પાયે ગેરરીતિના પુરાવાઓ આપ્યા પછી પણ સરકાર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. સરકાર અને ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી કોઈ નક્કર જવાબ આપવામાં આવ્યા નથી. પરિણામે ગુજરાતના યુવાનોમાં ભારોભાર આક્રોશ છે. અન્યાયનો ભોગ બનનારા હજારો યુવાનો ન્યાય માટે ગાંધી ચીંધ્યા માર્ગે ગાંધીનગરમાં રજુઆત કરવા માટે પહોંચ્યા ત્યારે યુવાનોની વાત સાંભળવાના બદલે તેઓ ગુનેગાર હોય તે રિતે તેમના પર પોલીસ દમન કરવામાં આવ્યું તે કેટલા અંશે વ્યાજબી છે? ભ્રષ્ટાચારીઓ-કૌભાંડીઓના કરતૂતો બહાર ન આવે એટલે સરકારના ઈશારે પોલીસે નિર્દોષ યુવાનો પર લાઠીચાર્જ-દમન થયું છે જે લોકશાહી માટે શરમજનક છે.