હેલ્મેટ કાયદોઃ કેન્દ્રએ તાણ્યું ગામ ભણી, રાજ્યએ તાણ્યું સીમ ભણી!!

ગાંધીનગરઃ ગુજરાત સહિત દેશભરમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થયા બાદ દંડની રકમમાં મસમોટો વધારો કરવામાં આવ્યો હતો. ટ્રાફિકના આ દંડની સમગ્ર ગુજરાતમાં ભારે ટીકા અને વિરોધ કરવામાં આવ્યો હતો. એવામાં ગુજરાતની રૂપાણી સરકારે લોકોને રાહત આપતા મહત્વપૂર્ણ નિર્ણય કરીને શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવી ફરજિયાત નથી એવી જાહેરાત કરી છે.

કૃષિ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ આ અંગની જાહેરાત કરતાં કહ્યું કે, હવે શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી. રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમા આ નિર્ણય લેવાયો હતો.

કૃષિ મંત્રી આર.સી ફળદુએ આ વિશેની માહિતી આપતા કહ્યું કે, મહાનગરપાલિકા અને શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત નહિ રહે. હેલમેટ મરજિયાત કરવાનો કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે. નગરપાલિકા, મહાનગરપાલિકા સહિતના વિસ્તારોની બહાર હેલ્મેટ ફરજિયાત કરાયો છે. ત્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકાની અંદર હેલમેટ હવેથી ફરજિયાત નહિ હોય. રાજ્ય ધોરીમાર્ગો, પંચાયતના ધોરી માર્ગો ઉપર હેલ્મેટ ફરજિયાત રાખ્યું છે. લોકોને સામાજિક કાર્યોમાં હેલમેટ પહેરવાની અગવડતા આવી રહેતી હતી. જેની અનેક ફરિયાદો સરકાર સામે આવી રહી હતી. જેને ધ્યાનમાં લઈને સરકારે આ નિર્ણય લીધો છે. લગ્ન પ્રસંગમાં જતા હોય અથવા તો મરણ પ્રસંગમાં જતા હોય તો હેલમેટ ક્યાં રાખવું તેની લોકોની ચિંતા થતી તેથી રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

અલબત્ત, સોશ્યલ મિડીયામાં સરકારના આ નિર્ણયની ટીકા થઇ રહી છે અને સરકાર થોડાક લોકોના વિરોધ સામે ઝૂકીને લોકોની સલામતી પ્રત્યે ગંભીર નથી એવા આક્ષેપો કરવામાં આવી રહયા છે. સાથે સાથે, કેન્દ્ર સરકારે એક તરફ હેલ્મેટ ફરજિયાતનો કાયદો કર્યો છે તો રાજય સરકારે આ કાયદો કરતાં પણ અનેક સવાલો સર્જાયા છે. લોકરંડક પગલાં લેવાની ઉતાવળમાં સરકારે આ નિર્ણય બેજવાબદારીપૂર્વક આ નિર્ણય લીધો હોવાની છાપ પડી છે.