વડોદરાઃ કોરોનાની રોગચાળા વચ્ચે સરકારની મુશ્કેલીઓમાં વધારો થાય એવી શક્યતા છે. રાજ્યની છ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર ડોક્ટરોએ સરકાર સામે બાંયો ચડાવી છે. વર્ષ 2012થી બાકી રહેલી વિવિધ માગણી અંગે સરકાર તત્કાળ નિર્ણય કરે એવી ડોકટરોની માગ છે.
દર ત્રણ વર્ષે સરકારના નિયમ મુજબ સ્ટાઈપેન્ડમાં 40 ટકાનો વધારો થવો જોઈએ, એ માગી રહ્યા છીએ. 60,000ની જગ્યાએ લીગલ 84,000 મળશે પછી જ કામે ચઢીશું એવું નક્કી કરવામાં આવ્યું છે.
ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશનની વડોદરામાં મળેલી આજની બેઠકમાં વર્ષ ૨૦૧૨થી પડતર માગણીઓ મુદ્દે આંદોલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને જરૂર પડે હડતાળ પણ કરવામાં આવશે તેવી ચીમકી ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશન દ્વારા આપવામાં આવી છે.
ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશનના 1700 ડોક્ટરો દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી હતી, જેમાં એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ કક્ષાના વિભાગીય વડા તેમ જ અનેક સિનિયર તબીબો ઉપસ્થિત રહ્યા છે. સરકારી ડોક્ટરો સાતમા પગાર પંચના લાભથી પણ વંચિત છે ત્યારે જો પડતર માગણીઓ નહીં સંતોષાય તો ડોક્ટરોએ હડતાળની ચીમકી ઉચ્ચારી છે.
એસએસજી હોસ્પિટલમાં ડોક્ટરોની મળેલી બેઠક બાદ એસોસિયેશનના સેક્રેટરી વિજય સિંહ રાઠોડે જણાવ્યું હતું કે ગુજરાતના સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરોની પડતર માગણીઓ અંગે આગામી દિવસમાં આંદોલન કરવામાં આવશે, જેમાં વડોદરાના 900 કરતાં વધુ સરકારી ડોક્ટરો પણ હડતાળમાં જોડાશે.
તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૨થી સરકાર પાસે અવારનવાર પડતર માગણીઓ જેવી કે સાતમા પગાર પંચ પ્રમાણે પગાર, ઇન્ક્રિમેન્ટ, એડહોક ટીચરને કાયમી કરવા તેમજ અન્ય સુવિધાઓ આપવા અંગે રજુઆતો કરવામાં આવે છે પરંતુ સરકાર આ અંગે કોઈ નિર્ણય લેતી નથી. જેથી હવે આંદોલનની ફરજ પડી રહી છે.