સ્પેનના PMની સાથે PM મોદીનો વડોદરામાં ભવ્ય રોડ-શો

નવી દિલ્હીઃ સ્પેનના PM પેડ્રો સાંચેઝ ભારતની મુલાકાતે છે. તેઓ ગુજરાતના વડોદરામાં પહોંચ્યા છે. તેઓ ભારતની સૌપ્રથમ સત્તાવાર યાત્રા પર છે. તેઓ PM મોદી સાથે વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ લિ. (TASL)માં C-295 વિમાનના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્ત રૂપે ઉદઘાટન કરશે. તેઓ આ ઉદઘાટન પહેલાં PM મોદી સાથે રોડ-શોમાં ભાગ લેશે.

PM મોદી સ્પેનના PMની સાથે રોડ-શો કરી રહ્યા છે. તેમનો આ રોડ-શો વડોદરા એરપોર્ટથી ટાટાના પ્લાન્ટ સુધી આશરે ત્રણ કિલોમીટરનો છે. તેમનો રોડ-શો જોવા વડોદરાવાસીઓ મોટી સંખ્યામાં ઊમટ્યા છે. લોકો પોસ્ટર અને બેનર લઈને ઊભા છે.

તેઓ રવિવારે મોડી રાત્રે વડોદરા પહોંચ્યા હતા. PM મોદી અને સ્પેનિશ રાષ્ટ્રપતિ ગુજરાતને અને દેશનો મોટી ગિફ્ટ આપશે. આ ઉપરાંત PM મોદી દેશમાં બનેલું પહેલું C-295 પ્લેન લોન્ચ કરશે. સ્પેન પરત ફરતાં પહેલાં પેડ્રો મંગળવારે દેશની આર્થિક રાજધાની મુંબઈની મુલાકાત લશે.

ભારતીય સંરક્ષણ મંત્રાલયે ચોથી સપ્ટેમ્બર, 2021એ ભારતીય વાયુસેના (IAF) માટે 56 C-295 મિડિયમ ટેક્ટિકલ લિફ્ટ એરક્રાફ્ટની ખરીદી માટે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ, સ્પેન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર અનુસાર TASL TCS સાથે ટાટા કન્સોર્ટિયમમાં લીડ તરીકે કામ કરશે તે ભારતમાં 56 એરક્રાફ્ટમાંથી 40નું નિર્માણ અને વિતરણ કરશે. પ્રથમ 16 એરક્રાફ્ટ સ્પેનમાં એરબસ દ્વારા બનાવવામાં આવશે અને ફ્લાય-અવે તરીકે IAFને સપ્લાય કરવામાં આવશે. આમાંથી પહેલાં 6 એરક્રાફ્ટ IAFને સોંપી દેવામાં આવ્યાં છે.