અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૮-૨૯ જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડા પ્રધાન રાજ્યમાં રૂ. 1000 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. સરકારનું મુખ્ય ધ્યાન ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાનું છે, જેમાં તેઓ ૨૮ જુલાઈએ સાબર ડેરીમાં રૂ. ૩૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત પાઉડર પ્લાન્ટનું લોકાપર્ણ કરશે. તેઓ આ ઉપરાંત રૂ. ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેક પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાપર્ણ કરશે. આ ઉપરાંત રૂ. ૬૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત પણ તેઓ કરશે. તેઓ એ વખતે સુકન્યા યોજના અન્વયે દીકરીઓને ખાતા ખોલવાનો કાર્યક્રમ અને મહત્તમ દૂધ ઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું સન્માન કરશે. વડા પ્રધાન જિલ્લાની પ્રગતિશીલ મહિલા ખેડૂતો તેમ જ આદિવાસી મહિલા દૂધ ઉત્પાદકો સાથે મુલાકાત કરશે.
સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્ષ ૧૯૬૪-૬૫માં માત્ર ૧૯ દૂધમંડળીથી શરૂ થયેલી ડેરી આજે ૧૭૯૮ કાર્યરત દૂધ મંડળી ધરાવે છે. માત્ર ૨૯ સભાસદો સાથે શરૂ થયેલી ડેરી આજે ૩,૮૪,૯૮૬ સભાસદો ધરાવે છે. સ્થાપના સમયે એટલે કે વર્ષ ૧૯૬૪-૬૫માં માત્ર ૦.૦૫ લાખ લિટર દૂધ સંપાદનથી શરૂઆત કરી આજે દૈનિક સરેરાશ ૩૩.૨૭ લાખ લીટર પ્રતિદિન દૂધનું સંપાદન કરવામાં આવી રહ્યું છે.
વડા પ્રધાન 29 જુલાઈએ ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની મુલાકાત લેશે. વડા પ્રધાનને હસ્તે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસિસ સેન્ટર (IFSCs)માં નાણાંકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાસંસ્થાઓના વિકાસ માટે નિયામક IFSCAની મુખ્ય ઓફિસની આધારશિલા મૂકશે. તેઓ દેશના પહેલાં આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)નો શુભારંભ કરશે.
વડા પ્રધાન મોદી 29 જુલાઈએ ચેન્નઈ જશે. ત્યાં તેઓ જેએલએન ઇન્ડોર સ્ટેડિયમમાં સાંજે છ કલાકે 44મી ચેસ ઓલિમ્પિયાડનું ઉદઘાટન કરશે.