કેવડિયા (ગુજરાત) – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ ગૃહ પ્રધાન અને ભૂતપૂર્વ પ્રથમ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને આજે એમની 144મી જન્મતિથિ નિમિત્તે અત્રે પટેલના સ્મારક ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને એકતા શપથ લીધી હતી તેમજ રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું અને એને સલામી આપી હતી.
વડા પ્રધાન મોદી ગઈ કાલે રાતે જ ગુજરાત આવી પહોંચ્યા હતા અને ગાંધીનગર નિવાસસ્થાને જઈ એમના માતાને પણ મળ્યા હતા.
આજે સવારે તેઓ ગાંધીનગરથી કેવડિયા પહોંચ્યા હતા.
સરદાર પટેલની ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રતિમા 182 મીટર ઊંચી છે અને તે વિશ્વની સૌથી ઊંચા કદની પ્રતિમા છે. અમેરિકાની ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ પ્રતિમા કરતાં પણ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રતિમા ડબલ ઊંચી છે.
મોદી 2014માં વડા પ્રધાન બન્યા ત્યારથી એમની સરકાર દર વર્ષે સરદાર પટેલની જન્મતિથિને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવતી આવી છે.
સરદાર પટેલનો જન્મ 1875ની 31 ઓક્ટોબરે ગુજરાતના નડિયાદ શહેરમાં થયો હતો. સરદાર પટેલ દેશની એકતા અને અખંડતાના નિર્માતા હતા અને લોહપુરુષ તરીકે પ્રખ્યાત થયા છે.
મોદીએ એકતા શપથ લીધા બાદ કરેલા સંબોધનમાં કહ્યું કે સરદાર પટેલ ભારતની એકતાના સૂત્રધાર હતા.
પીએમ મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રતિમાનું ગયા વર્ષે લોકાર્પણ કર્યું હતું.