અમદાવાદ– વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાતમાં પ્રચારસભાઓનો કાર્યક્રમ આયોજિત થયો છે. તેમના કાર્યક્રમો પર નજર કરીએ તો સવારે 9 કલાકે તેઓ રાજકોટ એરપોર્ટ આવી પહોંચશે અને ત્યાંથી જૂનાગઢ જશે. સવારે સાડા નવ વાગ્યે એગ્રીકલ્ચર યુનિવર્સિટી સ્પોર્ટ સંકુલમાં તેમની જાહેરસભા છે. ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમા જૂનાગઢ લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે ત્યારે પીએમની આ સભા ભાજપતરફી ઝોક બનાવશે તેવી પક્ષ અગ્રણીઓને આશા છે.
તો બપોરે 12 વાગે બારડોલી સંસદીય મતવિસ્તારમાં આવતાં વ્યારાના સોનગઢમાં જાહેર સભાનું આયોજન છે. પરંપરાગત રીતે કોંગ્રેસનો માનવામાં આવતાં આદિવાસી મતદાતાને આકર્ષવા પીએમ મોદી કોઇ કસર નહીં છોડે તે રીતે આ સભા ગજવશે તેવું અનુમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસના દિગ્ગજ નેતા તુષાર ચૌધરીને પડકાર આપતાં ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવાના સમર્થનમાં બારડોલી લોકસભા મતવિસ્તારમાં સભા સંબોધશે.
તો વડાપ્રધાનના પ્રવાસને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે 1 એ.ડી.જી, 1 આઈ.જી, 7 એસ.પી, 14 ડી.વાય.એસ.પી, 38 પી.આઇ, 140 પી.એસ.આઈ, 1400 પોલીસ, 200 હોમગાર્ડ કુલ 1700 જેટલા પોલીસકર્મીનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે સભાસ્થળે સી.સી.ટી.વી , ડોગ સ્ક્વોડ તેમજ બૉમ્બ તેમજ સભા મંડપ માં સીસીટીવી પણ લગાડવામાં આવ્યાં છે.