જૂનાગઢમાં પ્રચારની ગર્જના કરતા વડાપ્રધાન મોદી

જૂનાગઢ:  વડાપ્રધાને આજે જૂનાગઢ ખાતે ચૂંટણી સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, આજે હું મારા કામકાજનો હિસાબ દેવા માટે આવ્યો છું, આગામી પાંચ વર્ષ માટે ભાઈઓ બહેનોને નવો આદેશ દેવા માટે આવ્યો છું.

જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલી આ સભામાં ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનની શરૂઆતમાં સોરઠ અને કાઠીયાવાડની ધરતી સાથે કેસર કેરી અને કેસરી સિંહનો પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જૂનાગઢ સિંહદર્શન માટે પણ લોકો સીધો પીએમ ઓફિસ ફોન કરે છે. ગુજરાતના ટુરિઝમનો સૌથી મોટો લાભ જૂનાગઢને મળી રહ્યો છે. ગુજરાતમાં પાણીનો મારો અનુભવ ભારતમાં કામે લગાડી રહ્યો છું, અમે કાઠિયાવાડને પાણી પાણી કરી નાખ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે હું તો તમારૂ સંતાન છું, આપને નીચું જોવું તેવું કોઈ કામ મે કર્યુ નથી. આ વિકાસ યાત્રા તમારા માટે છે, તમારા માટે જીંદગી ખપાવી નાંખી છે. ગુજરાતમાં વિરોધીઓની ડિપોઝીટ ડૂલ થવી જોઈએ.

જૂનાગઢમાં રોપ-વે ની મંજૂરી આપવામાં વિલંબ કરીને ગુજરાતની જનતાને કોંગ્રેસે પરેશાન કરી છે. સોમનાથને અનેક પ્રકારની સુવિધાઓ તથા વેરાવળમાં મત્સ્ય ઉદ્યોગોને સહાય આપીને ભાજપ સરકારે ગુજરાતના વિકાસમાં હરણફાળ ભરી છે.

વડાપ્રધાને કોંગ્રેસની સરકાર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવતાં કહ્યું કે, મધ્યપ્રદેશમાં સરકાર બની તેના 6 મહિના પણ નથી થયાં, અને મધ્યપ્રદેશ ભ્રષ્ટાચારનું એટીએમ બની ગયું છે. કદાચ રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ આવી હાલત થઈ શકે છે. મારા હિસાબે કોંગ્રેસને જાણવા માટે આ કથા ખૂબ કામ આવશે. આમ કહી તેમણે પોતાના સંબોધનમાં એક વાર્તા કહી હતી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં.

તેમણે એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરી કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું હતું કે, આજે દેશમાં એક ડરનું વાતાવરણ બનાવવામાં આવ્યું છે. પણ ડર ડરમાં ફર્ક છે. સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકમાં કોંગ્રેસ ડરી ગઈ છે. દેશના જવાનોએ એર સ્ટ્રાઈક કરી પાકિસ્તાન પર અને કોંગ્રેસને પેટમાં દુખે છે.

વડાપ્રધાન મોદી જૂનાગઢથી હેલિકોપ્ટર માર્ગે રાજકોટ જવા રવાના થયા હતાં. રાજકોટથી તેઓ સૂરત ખાતે વિમાન માર્ગે પહોંચશે અને સુરતથી સોનગઢ જઈને સભા સંબોધશે. સોનગઢમાં તેઓ દક્ષિણ ગુજરાતના ઉમેદવારો માટે પ્રચાર કરશે. વડાપ્રધાન સોનગઢથી સાંજે ગોવા જવા રવાના થશે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]